વડોદરામાં મહાનગરપાલિકાની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી વિકાસનાં કામોમાં અવરોધરૂપ દબાઓ દૂર કરવા માટે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને મોરચો સંભાળ્યો હતો. મેયરે સ્થળ પર હાજર રહીને વડોદરાના વાઘોડિયા રોડ ઉપર કલાદર્શન ચાર રસ્તા પાસે ગેરકાયદે બનાવી દેવામાં આવેલું વૈભવી મકાન દૂર કરાવ્યું હતું. તો સ્થાયી સમિતિના ચેરમેને વારસિયા વિસ્તારમાં આવેલા તળાવના વિકાસમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેનાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે મકાન માલિક અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિવારે મીડિયા સાથે પણ ઉદ્ધાતાઇભર્યું વર્તન કર્યું હતું.
અનેક વખત નોટિસો અપાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસનાં કામોમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે TP-3 ફાઇનલ પ્લોટ-766માં નિર્માણ પામનાર આવાસ યોજનાની જગ્યામાં ડી.પી. મોદી નામના વ્યક્તિએ 2000 સ્ક્વેર ફૂટ જગ્યામાં ગેરકાયદે વૈભવી મકાન બનાવી દીધું હતું. કોર્પોરેશન દ્વારા અનેક વખત મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી.
મામલો મેયર સુધી પહોંચ્યો
વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસો આપવા છતાં, મકાન માલિક દ્વારા પોતે કોર્પોરેશનના પ્લોટમાં બાંધેલું ગેરકાયદેનું મકાન દૂર કરવામાં આવતું નહોતું. આ ગેરકાયદે દબાણ દૂર કરવા માટેનો મામલો મેયર કેયૂર રોકડિયા સુધી પહોંચ્યો હતો. તેઓએ આજે દબાણ શાખા અને પોલીસ બંદોબસ્ત સાથે વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કોર્પોરેશનની જગ્યામાં 2000 સ્ક્વેર ફૂટમાં ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલું મકાનનું દબાણ દૂર કરવા માટે પહોંચી ગયા હતા.
પરિવારે મીડિયાને અપશબ્દો કહ્યા
મેયર અને પાલિકાની દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા ગેરકાયદે મકાન બનાવનાર ડી.પી. મોદીનાં પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યાં હતાં અને દબાણ દૂર ન કરવા માટે તંત્ર સામે ઘર્ષણમાં ઊતરી ગયાં હતાં. તે સમયે ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરી રહેલા મીડિયા કર્મીઓ પર મોદી પરિવાર ઘર્ષણમાં ઊતરી ગયું હતું. કેટલાક કેમેરામેનના કેમેરા છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા.
મેયરે દબાણ દૂર કરાવ્યું
મકાન માલિક પરિવાર પાલિકા તંત્ર અને મીડિયાકર્મીઓ સાથે પોલીસની હાજરીમાં ઘર્ષણમાં ઊતરી જતાં વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, મેયરે સ્થળ ઉપર ઊભા રહીને પરિવાર પર દયા ખાધા વગર ગેરકાયદે બનાવી દેવામાં આવેલું મકાન દૂર કરાવ્યું હતું અને કોર્પોરેશનની 2000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાવી હતી.
સામાન બહાર કાઢવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે TP-3 ફાઇનલ પ્લોટ નંબર-766માં ગરીબો માટે આવાસ યોજનાનાં મકાનો બનાવવામાં આવનારાં છે. પરંતુ, કોર્પોરેશનની આ જગ્યા પૈકી 2000 સ્ક્વેર ફૂટ જગ્યામાં ડી.પી. મોદી નામના વ્યક્તિએ ગેરકાયદેસર વૈભવી મકાન બનાવી દીધું હોવાથી આવસા યોજનાનું કામ અટકી ગયું હતું. જોકે, આજે પાલિકાની દબાણ શાખાએ મેયરની હાજરીમાં વૈભવી મકાન સ્થિત રાચરચીલો સામાન બહાર બહાર કઢાવી મકાન જમીનદોસ્ત કરાવી દીધું હતું.
સ્થાનિકો સાથે બેઠક કરી
તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ પાલિકાની દબાણ શાખાની બીજી ટીમ સાથે વારસિયા વિસ્તારમાં આવેલા તળાવ પાસે પહોંચી ગયા હતા. જ્યાં તળાવની આસપાસ અને ધાર્મિક સ્થળની આજુબાજુમાં ઊભાં થઇ ગયેલાં ગેરકાયદે દબાણો દૂર કરાવ્યાં હતાં. ચેરમેને દબાણો દૂર કરતાં પૂર્વે સ્થાનિક વ્યક્તિઓ સાથે બેઠક પણ કરી હતી અને તેઓને સમજાવ્યા હતા.
શાંતિથી દબાણો દૂર કરાયાં
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. વારસિયા તળાવના બ્યુટિફિકેશન માટે કામ કરવામાં આવ્યું છે. તળાવના કિનારે લોકો ચાલવા માટે આવે તે માટે વોક-વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, આસપાસનાં દબાણોના કારણે આ કામગીરી થઇ શકતી ન હતી. આજે સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સ્થળ પર હાજર રહી દબાણો દૂર કરાવ્યાં હતાં. જોકે, વારસિયામાં દબાણકારો અને તંત્ર વચ્ચે ઘર્ષણની કોઇ ઘટના બની ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.