વિશ્વાસઘાત:વડોદરામાં કોન્ટ્રાક્ટરે બિલ્ડરની જમીનનો ખોટો બાનાખત કરી બારોબાર 15 કરોડમાં સોદો કરી નાખ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી નિલય દેસાઈ. - Divya Bhaskar
આરોપી નિલય દેસાઈ.

શહેરના આજવા રોડ સયાજીપુરા ગામમાં આવેલ સંસ્કૃતિ ઇન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડની જમીન કોન્ટ્રાક્ટરે નકલી દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાનાખત કરી આપી 15 કરોડમાં બારોબાર સોદો કરી નાખ્યાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

જમીન ખરીદી માત્ર કન્સ્ટ્રક્શનનું કામ આપ્યું હતું
મુંબઇમાં હેડ ઓફિસ ધરાવતી સંસ્કૃતિ ઇન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ કંપનીને વર્ષ 2013માં સયાજીપુરા ગામ આજવા રોડ પર આવેલ પી.એ.સી.એલ. લિમિટેડની જમીન ખરીદવી હતી. જેથી આ જમીન ખરીદી કરવા માટે નિલય અનિલભાઇ દેસાઇ (રહે. રવિ કિરણ કાર્ટર રોડ, બોરીવલી, મુંબઇ)ને કંપની તરફથી અધિકૃત કરવામાં આવ્યા હતા. જમીન ખરીદી બાદ નિલય દેસાઇને આ સાઇટ પર કન્સ્ટ્રક્શનનું કામ સોંપવામાં આવ્યું હતુ.

ગ્રાહકોના રૂપિયા બારોબાર પોતાના ખાતામાં જમા કરાવ્યા
જેથી નિલય દેસાઇએ પોતાની કંપની ફિનિક્સ લાઇફ સ્પેશ પ્રાઇવેટ લિમિટેડ મારફતે બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે આ સાઇટના બુકિંગનું કામ સંસ્કૃતિ ઇન્ફ્રાના દ્વારા કરવામાં આવતું હતું અને તેના ગ્રાહકોના બુકિંગના નાણા પણ સંસ્કૃતિ ઇન્ફ્રાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. દરમિયાન કેટલાક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે જે પ્રમાણે રૂપિયા લેવામાં આવ્યા છે તે અનુસાર કામ હજુ સુધી થયું નથી. જેથી સંસ્કૃતિ ઇન્ફ્રાના સાઇટ મેનેજર પ્રિયાંકકુમાર પાંડે દ્વારા ગ્રાહકોને પૂછવામાં આવ્યું કે તમે કોને અને ક્યા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા? તો ગ્રાહકોએ વડોદરાના ખેંડેરાવ માર્કેટ પાસે આવેલ આઇડીબીઆઇ બેંકના ખાતા અંગે વિગતો આપી હતી.

IDBI બેંકમાં કંપનીની જાણ બહાર ખાતું ખોલાવ્યું
આ બેંક ખાતા અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ખાતું સંસ્કૃતિ ઇન્ફ્રાની જાણ બહાર અને કંપનીના ડાયરેક્ટરની ખોટી સહી અને દસ્તાવેજો રજૂ કરી સાઇટનું કંન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાન્કટર નિલય દેસાઇએ ખોલાવ્યું હતું. તેમજ ગ્રાહકોના 39 લાખ રૂપિયા તેમા જમા કરાવ્યા હતા તથા એ રૂપિયા નિલયે પોતાની ફિનિક્સ લાઇફ સ્પેશ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી સંસ્કૃતિ ઇન્ફ્રા દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે આવેલ IDBI બેંકમાં આ ખાતુ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. તેમજ નિલય દેસાઇને કન્સ્ટ્રક્શન સાઇટની કામગીરીમાંથી દૂર કરી દીધો હતો.

નકલી દસ્તાવેજ ઉભા કરી બારોબાર જમીન બીજાને વેચી
દરમિયાન સંસ્કૃતિ ઇન્ફ્રાને સિવિલ કોર્ટના દાવાની નોટિસ મળી હતી જેમાં સાઇટની જમીન રુ. 15 કરોડમાં સંજય જયંતીલાલ જૈન નામના વ્યક્તિને વેચાણ અંગેનો બાનાખત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અગાઉના કોન્ટ્રાક્ટર નિલય દેસાઇનું આ કારસ્તાન છે અને તેણે સંસ્કૃતિ ઇન્ફ્રાના ખોટા દસ્તાવેજ ઉભા કરી સંજય જૈનને નકલી બાનાખત કરી આપ્યું હતું. જેથી આ મામલે નિલય દેસાઇ તેની પત્ની રિદ્ઘિ અને સંજય જૈન સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.