રાતોરાત મંદિર તોડાતા દેખાવો:વડોદરામાં રસ્તાને નડતરરૂપ નાના મંદિરો તોડી પડાતા કોંગ્રેસે ધરણા યોજી વિરોધ કર્યો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્થળ પર પહોંચી દેખાવો કરાયા હતાં. - Divya Bhaskar
કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્થળ પર પહોંચી દેખાવો કરાયા હતાં.
  • મંદિરના પુનઃસ્થાપનની સાથે પ્રાણપ્રતિષ્ઠાના આયોજનની કોંગ્રેસે માગ કરી

વડોદરા કોર્પોરેશન દ્વારા ગુરૂવારે મોડી રાત્રે ઓલ્ડ પાદરા રોડ હેવમોર સર્કલ અને લાયન્સ કલબ તરફના માર્ગ પાસે નડતરરૂપ બે નાના મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી વડોદરા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી મંદિરના પુન: સ્થાપનની માગણી કરવામાં આવી હતી.સાથે જ રામધૂન કરવાની સાથે સાથે શાસકો સામે નારેબાજી કરાઈ હતી.

મંદિર ડીમોલેશનથી સવાલો ઉઠાવાયાં
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ટાણે હિન્દુત્વની વાતો કરતા ભાજપ શાસકોના મંદિરોના ડીમોલેશન રોકવા હાથ ધ્રૂજી રહ્યા છે. ક્રિકેટ રમવામાં મગ્ન મેયર આ બાબતે જવાબ આપે. આ ઘટનામાં જવાબદાર ધારાસભ્ય ,મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરના ઘરે જઈ રજૂઆત કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, મંદિર તોડી પાડ્યું તે સ્થળે ગેરકાયદેસર પોલીસની કેબીન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ છે. તે કેમ દૂર કરવામાં આવ્યું નથી.

તોડાયેલા મંદિરના પુનઃસ્થાપન સાથે પ્રાણપ્રતિષ્ઠાની માગ કરાઈ છે.
તોડાયેલા મંદિરના પુનઃસ્થાપન સાથે પ્રાણપ્રતિષ્ઠાની માગ કરાઈ છે.

પુનઃ સ્થાપનની માગ
વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, વિકાસની આડમાં મંદિર તોડવું હોય તો મંદિરના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા સાથે મંદિર પુનઃસ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર તોડવા જોઈએ. જેથી લોકોની ધાર્મિક લાગણી ના દુભાય. અમારી માંગણી છે કે, મેયર માફી માંગે અને મંદિરના પુન સ્થાપન સાથે પ્રતિમાઓના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરે.

શાસકોને સદબુદ્ધી મળે તે માટે રામધૂન કરાઈ હતી.
શાસકોને સદબુદ્ધી મળે તે માટે રામધૂન કરાઈ હતી.

શાસકો સત્તાનામાં નશામાં-આક્ષેપ
પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સત્તાના નશામાં શાસકો ભૂલી ગયા છે કે, જે સત્તા આપી શકે છે. તે છીનવી પણ શકે છે. ભાજપના શાસનમાં માત્ર ગરીબ પ્રજાને પરેશાન કરવામાં આવે છે. જ્યારે માલેતુજારો સામે આંખ આડા કાન કરે છે. અધર્મીઓને ધર્મની દિશા બતાવવા લડત ચલાવાશે. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ભીની આંખે જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં સૌથી વધુ મંદિરો તૂટ્યાં છે. અડધી રાત્રે મંદિર તોડી પાડી પ્રતિમાઓને સ્ટોર રૂમમાં ખસેડી તસ્કરો જેવું કામ કર્યું છે. ભગવાન સ્ટોર રૂમમાં નથી બિરાજતા. આ પ્રકારના કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

ટીમ રિવોલ્યુશન અને કોંગ્રેસે દેરી બનાવવાનું શરૂ કરતાં જ પોલીસ ત્રાટકી, 2ની અટકાયત
દેરી તોડવાનો વિરોધ વકરતા ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ સહિતની ટીમ સ્થળ પર મંદિર બાંધવા રેતી, સિમેન્ટ અને ઈંટો સાથે પહોંચી હતી. ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્યાં દેરી હતી તેની નજીક જીઈબીની દીવાલ પાસે ફૂટપાથ પર મંદિર બનાવવાનું નક્કી કરી શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઋત્વિજ જોષી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ ત્રિકમ ચલાવી મંદિરનું બાંધકામ શરૂ કરાવતા ગોત્રી પોલીસે મંદિરનું કામ બંધ કરાવી સ્વેજલ વ્યાસ અને ઋત્વિજ જોષીની અટકાયત કરી હતી.

મૂર્તિઓની સાથે ઘંટ, બારણા અને રૂપિયા પણ લઈ ગયા
વર્ષોથી મંદિરની સેવા કરતા વાસણા ગામના 65 વર્ષના ભીખાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, સવારે જાણવા મળ્યું કે કોર્પોરેશને મંદિર તોડી નાખ્યું છે. હું અહીંયા આવ્યો તો મને ધ્રાસકો લાગ્યો હતો. 40 વર્ષથી હું દિવાબત્તી કરું છું. મંદિરની મૂર્તિઓની સાથે ઘંટ, બારણા અને રૂપિયા પણ લઈ ગયા. આ સ્થળે મંદિર બનાવી આપે તેવી અમારી માંગ છે.