કોમર્શિયલ ગરબા પર 18% GST:વડોદરામાં કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ગરબા રમી ટેક્સ પરત લેવાની માંગ કરી

વડોદરા12 દિવસ પહેલા
કોંગ્રેસ દ્વારા ગરબા રમી વિરોધ.

સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાની ટિકિટ અને પાસ પર 18 ટકા GST લગાવ્યો છે. જેનો આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરી ખાતે ગરબા રમી આ ટેક્સ પરત ખેંચવા માંગણી કરી હતી.

1 હજારથી લઇને 5 હજારના પાસ
કોરોનાકાળ બાદ ત્રણ વર્ષે ગુજરાતમાં આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમાં પણ વડોદરાની નવરાત્રી પ્રખ્યાત છે. ત્યારે કોમર્સિયલ ગરબાની ટિકિટ અને પાસ પાસ સરકાર દ્વારા 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે. જેથી આ પાસ મોંઘા બન્યા છે. વડોદરામાં નવરાત્રીના પાસ એક હજારથી લઇને પાંચ હજાર રૂપિયા સુધીમાં વેચાતા હોય છે. જેના પર હવે 18 ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવશે.

યુવકો પાસેથી પાસના વધુ રૂપિયા લેવાય છે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવતની આગેવાનીમાં આજે કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગરબા રમી જીએસટીનો વિરોધ કર્યો હતો. જેમાં ઋત્વિજ જોશીએ કહ્યું હતું કે, માતાજીના ગરબાના નામે અત્યાર સુધી કેટલાક આયોજકો સંસ્કૃતિનું વેપારીકરણ કરતા હતા અને હવે સરકાર ટેક્સ લગાવી લૂંટ કરી રહી છે. મહિલા ખૈલાયઓને ખરેખરમાં તો મફત એન્ટ્રી આપવી જોઇએ તેમજ યુવકો પાસેથી પણ તોતિંગ ફી ન વસૂલવી જોઇએ.

કલ્ચરલ પ્રવૃત્તિ પર ટેક્સ ન લેવો જોઈએ
મારું માનવું છે કે કલ્ચરલ પ્રવૃત્તિ પર આ પ્રકારે ટેક્સ ન લેવો જોઈએ. ઊલટું આવા કાર્યક્રમોને તંત્રે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. ટેક્સ સંબંધે સીએમ કે સંબંધિત અધિકારી સાથે વાત કરીશું. - જીતેન્દ્ર સુખડિયા, ધારાસભ્ય, સયાજીગંજ

ગરબા પર GST,કોઈ વિચારી પણ ન શકે
ગરબા આસ્થાનું પ્રતીક અને ગુજરાતની ઓળખ છે. ગરબા પર જીએસટી કોઈ વિચારી ન શકે. જીએસટીનો ભાર ખેલૈયા પર જ આવવાનો છે. જીએસટી ન લગાવવો જોઈએ. - જશપાલસિંહ પઢિયાર, ધારાસભ્ય, પાદરા

​​​​​​​આયોજકો પાસેથી GST વસૂલવો જોઈએ
ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવો જોઈએ. ખેલૈયા તો માતાજીની આરાધના કરવા ગરબા રમે છે. ગરબાના આયોજકો દીકરીઓના પૈસા લઈ રિફંડ પણ આપતા નથી. - મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા

​​​​​​​હું સરકારમાં આ અંગે રજૂઆત કરીશ
ગરબા પર જીએસટી લગાવવાથી ખેલૈયાઓ પર ભાર પડશે. ગરબા પર જીએસટી ન હોવો જોઈએ. હું સરકારમાં આ મુદ્દે રજૂઆત કરીશ. - કેતન ઈનામદાર, ધારાસભ્ય, સાવલી

​​​​​​​જિલ્લાના ધારાસભ્યો મળી રજૂઆત કરીશું
ગરબા માતાજીની આરાધનાનો અવસર છે. આરાધના કરવા ભેગા થતા ખેલૈયા પર જીએસટી લગાડવો ખોટો છે. જિલ્લાના તમામ ધારાસભ્યો ભેગા મળીને સરકારમાં આ મુદ્દે રજૂઆત કરીશું. - અક્ષય પટેલ, ધારાસભ્ય,કરજણ

​​​​​​​GST અંગે સરકારમાં રજૂઆત કરીશું
યુનાઇટેડ વે અને પોલો ક્લબ સિવાય મોટાભાગના ગરબા નિ:શુલ્ક કે ખૂબ ઓછી કિંમત લે છે. મારી જાણ મુજબ રૂા.500થી વધુના પાસ પર GST લાગે છે, છતાં સરકારમાં રજૂઆત કરીશું. - કેયુર રોકડિયા, મેયર

ગરબામાં કરમુક્તિ આપવી જોઈએ
શહેરના ગરબા પારંપરિક છે. તે પ્રોફિટ મોટિવ સાથે થતા નથી. આયોજકો ધંધાદારી નથી. જે પૈસા વધે છે તે વિકાસ માટે વપરાય છે. કરમુક્તિ આપવા સરકારમાં રજૂઆત કરીશું. - ડો. વિજય શાહ, પ્રમુખ, શહેર ભાજપ

​​​​​​​નો કોમેન્ટ્સ
​​​​​​​મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષાબેન વકીલ, અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલે, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાનો સંપર્ક થયો નહોતો.