વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકોને ભગાડ્યા હતા અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાહકોને માર મારતા CCTV વાઇરલ
હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકોને ભગાડ્યા અને સંચાલકને માર માર્યો હતો. જેના CCTV ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરિવારને સાથે રાખી પોલીસ ભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.
જરૂર પડે ન્યાય માટે અદાલતમાં જઈશું
મદાર હોટેલના સંચાલક કુતબુદ્દીનભાઈએ જણાવ્યું છે કે, પીએસઆઈના વર્તન અંગેનો આખો મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં ન્યાય નહીં મળે તો અદાલત સમક્ષ જઈશું.
અગાઉ પણ PSI વિવાદમાં આવ્યા હતા
આ અગાઉ લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. PSI કે.પી. ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો અને શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ PSIની બદલી કરી દેવામાં આવી હતી.
મહિલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી હોટલ બંધ કરાવવા માંગ કરી હતી
સમગ્ર ઘટના અંગે સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ સગરે ટેલીફોનિક વાતમાં જણાવ્યું હતું કે, હોટલની બાજુમાં આવેલ ઘરમાં રહેતી એક મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી આપી હતી કે આખી રાત હોટલ ખુલ્લી રહે છે અને હંગામો મચ્યો રહે છે. મારા સંતાનોને પરીક્ષા ચાલે છે. જેથી પોલીસ હોટલ બંધ કરાવા પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.