પતંગની દોરીથી યુવાનનું મોત:વડોદરામાં વધુ એક બાઇક સવાર યુવકનું દોરીથી ગળું કપાયું, ઉત્તરાયણનો પર્વ માતમમાં ફેરવાયો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરાના છાણી દશરથ હાઇવે પર આજે સાંજે એક યુવક ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેના ગળામાં પતંગની દોરીથી જોરદાર ઘસરકો પડ્યો હતો. જેથી તેના ગળાના ભાગેથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમ જ મૃતક રીન્કુ યાદવના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વડોદરામાં ગત એક જાન્યુઆરીથી લઈને આજ દિન સુધીમાં પતંગની દોરીથી ગળું કપાવવાની ઘટનામાં આ ત્રીજું મોત છે. આ તમામ મૃતક બાઇક સવાર હતા.

ગઈકાલે શહેરમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો
શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં રહેતો 31 વર્ષિય યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ ગઈકાલ બપોરે સાડા ત્રણ વાગ્યે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રીજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી નિખિલને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ગળા પર ટાંકા આવ્યા હતાં. પતંગના દોરાથી ગળું કપાતા નિખિલનો સહેજમાં જીવ બચ્યો છે. જો કે નિખિલ જેવા નસિબદાર બધા નથી હોતા.

સમા કેનાલ પર એકનું મોત
દસ દિવસ પહેલા બાઇકસવાર મહેશ ઠાકુરનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. જ્યાર બાદ તેનું મોત થયું હતું.

દોરીથી ગળું કપાતાં પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું મોત
વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગી હતી. બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવાર સાંજે સાડાછ વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ(ઉં.30) કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

પાંચ લોકો ધાબા પરથી પડી જવાના બનાવ
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયરના જણાવ્યા અનુસાર, સયાજી હોસ્પિટલમાં આજે દોરીથી ઘાયલ 16 લોકોને સારવાર આપવામાં આવી છે. જ્યારે પાંચ લોકો ધાબા કે છત પરથી પડી ગયા હોવાના બનાવમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ એક વ્યક્તિનું પતંગની દોરીથી કપાવવાથી મોત થતા તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...