• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Notorious Bootlegger Alpu Sindhi Pana's Gallawala Was Threatened, 'If You Don't Give Ten Lakh Rupees, You Will Be Fired'.

બુટલેગરનો આતંક:વડોદરામાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીની પાનના ગલ્લાવાળાને ધમકી- 'દસ લાખ રૂપિયા આપ નહીં તો તારા પર ફાયરિંગ થશે'

વડોદરાએક મહિનો પહેલા
બુટલેગર અલ્પુ સિંધીની ફાઇલ તસવીર.

શહેરના કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીએ પાનના ગલ્લાવાળા પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીએ ધમકી આપતા કહ્યું હતું કે દસ લાખ રૂપિયા આપ નહીં તો તારા પર ફાયરિંગ થશે.

ફોન કરી અલ્પુ અને અન્નુ ગલ્લા પર પહોંચ્યા
વડોદરામાં ખોડિયાનગર વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા નિલેષ હરેશભાઇ નાથાણીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓને ગત રાત્રે પોણા વાગ્યે મોબાઇલ પર કોલ આવ્યો હતો. આ કોલ રિસિવ કરતા સામેથી તે વ્યક્તિએ કહ્યું હતું કે હું અલ્પુ સિંધી બોલું છું, તું ક્યા છે? જેથી નિલેષ નાથાણીએ કહ્યું કે હું મારી દુકાન પર હાજર છું. જેથી અલ્પુએ કહ્યું કે તું ત્યાં હાજર રહેજે હું થોડીવારમાં તારી દુકાન પર આવું છું.

જેલમાંથી પેરોલ પર આવ્યો છું, દસ લાખનો ખર્ચ થયો છે: અલ્પુ
આ કોલ મુક્યાના થોડી વારમાં ટુ-વ્હિલર પર અલ્પુ અને અન્નુ નિલેષ નાથાણીની દુકાને આવ્યા હતા. જ્યાં અલ્પુ સિંધીએ કહ્યું કે હું હાલમાં જેલમાંથી પેરોલ પર આવ્યો છું. મારે દસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. જેથી તુ મને રૂપિયાની વ્યવસ્થા આવતીકાલ સવાર સુધીમાં કરી આપ. નિલેષે કહ્યું કે હું પાનનો ગલ્લો ચલાવું છું અને આટલા રૂપિયાની વ્યવસ્થા મારાથી થઇ શકશે નહીં. જેથી અલ્પુ ગુસ્સે થઇ ગયો હતો અને અપશબ્દો બોલતા કહ્યું કે જો તુ રૂપિયાની વ્યવસ્થા નહીં કરે તો સાંજે તારી ઉપર ફાયરિંગ કરીશ.

અન્નુએ પણ ધમકી આપી
અલ્પુની સાથે આવેલ અન્નુ (રહે. વારસિયા, વડોદરા)એ પણ ધમકી આપી હતી કે તુ ભાઇનું કામ કરી દે નહીં તો તને ગમે ત્યાંથી ઉઠાવી લેશે. જેથી પાનનો ગલ્લો ચલાવતા વેપારી નિલેષ નાથાણીએ અલ્લુ અને અન્નુ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં રૂપિયાની માંગણી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.