ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં આજે વડોદરા શહેરની સિટી બેઠક પર ભાજપના મનિષા વકીલ, સાવલીથી ભાજપના કેતન ઇનામદાર, વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહે ફોમ ભર્યું છે. આ તમામ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને 2022ની ચૂંટણી પણ લડવાના છે. આજે ઉમેદવારી નોંધાવનારા આ ઉમેદવારોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય અને મંત્રી મનિષા વકીલ કરોડપતિ બન્યા છે. તો અપક્ષ ધર્મેન્દ્રસિંહની સંપત્તિમાં પણ વધારો થયો છે.
મનિષાબેન કરોડપતિ બન્યા
વડોદરા શહેર બેઠક પર મનિષા વકીલે વર્ષ 2017માં 49 લાખ 13 હજાર 967 રૂપિયાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ વખતે ભાજપ દ્વારા તેમને એ જ સીટ પર રિપિટ કરવામાં આવ્યા છે. તેમણે આ વખતે સોગંદનામામાં 2 કરોડ 37 હજાર 590 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. એટલે પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 1 કરોડ 51 લાખની સંપત્તિનો વધારો થયો છે. એટલે કે મનિષાબેન ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા બાદ તેઓ પાંચ વર્ષમાં કરોડપતિ બન્યા છે.
કેતન ઇનામદારની સંપત્તિ 1 કરોડ 27 લાખ વધી
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2017માં 2 કરોડ 52 લાખ 20 હજાર 449 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપ દ્વારા આ બેઠક પર કેતન ઇનામદારને 2022ની વિધાનસભા ચૂંટણીમાં રિપિટ કરવામાં આવ્યા છે. આ વખતે સોગંદનામામાં તેમણે તેમની સંપત્તિ 3 કરોડ 79 લાખ 20 હજાર 977 જાહેર કરી છે. એટલે કે તેમની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 કરોડ 27 લાખ 528નો વધારો થયો છે.
અપક્ષ ધર્મેન્દ્રસિંહ અબજપતિ
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.