દબાણો હટાવો ઝુંબેશ:વડોદરાના મેયરના વોર્ડમાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા, સ્થાનિકોનું દબાણ શાખા અને પોલીસ સાથે ઘર્ષણ

વડોદરા8 દિવસ પહેલા
મેયરે પોતાના વોર્ડમાં આવેલા ગોરવા-મધુનગર વિસ્તારમાં દબાણો દૂર કરાવ્યા
  • દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન રજૂઆત કરનાર વૃધ્ધ બે ભાન
  • ત્રણ ટ્રક ઉપરાંત લારી-ગલ્લાનો સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરાયો

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા મેયરના વોર્ડમાં આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં આડેધડ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મેયરની ઉપસ્થિતીમાં શરૂ કરવામાં આવેલી કામગીરી દરમિયાન સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને દબાણ શાખા તેમજ પોલીસ ટીમ સાથે ઘર્ષણ થયું હતું. એક તબક્કે ઝપાઝપી પણ થઇ હતી. આ કામગીરી દરમિયાન ઉગ્ર રજૂઆત કરી રહેલા એક વૃધ્ધ બેભાન થઇ ગયા હતા.

કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા
કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા

કોર્પોરેશન દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાનું અભિયાન
છેલ્લા કેટલાંક સમયથી વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાનું અભિયના શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના મેયર કેયુર રોકડીયાના વોર્ડ નંબર-8 માં આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં રસ્તા રેષામાં સ્થાનિક લોકો દ્વારા લારી-ગલ્લાના દબાણો કરી દેવામાં આવ્યા હતા. લારી-ગલ્લાના દબાણોના કારણે લોકોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું હતું. આ બાબતે અનેક વખત મેયરને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લઇ મેયર દબાણ શાખાની ટીમ લઇને પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા મધુનગરના દબાણો દૂર કરવા માટે પહોંચી ગયા હતા.

દબાણો દૂર કરવા ગયેલી દબાણ શાખા અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ
દબાણો દૂર કરવા ગયેલી દબાણ શાખા અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

ગોરવા-મધુનગર વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા
ઉલ્લેખનિય છે કે, એક સપ્તાહ પહેલાં પણ મેયરે પોતાના વોર્ડમાં ગોરવા-કરોડીયા રોડ ઉપરના રસ્તા ઉપર આડેધડ થયેલા દબાણો પોતાની ઉપસ્થિતીમાં દૂર કરાવ્યા હતા. તે બાદ આજે ગોરવા મધુનગર વિસ્તારમાં વધી ગયેલા દબાણો દૂર કરાવ્યા હતા. મેયર દબાણ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા મધુનગર ખાતે પહોંચતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને દબાણો દૂર ન કરવા માટે દબાણ શાખાની ટીમ અને પોલીસ ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા. એક તબક્કે દબાણકારો દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. જોકે, આ સિવાય કોઇ અપ્રિય ઘટના બની નથી.

ઉમટી પડેલા લોકોને પોલીસ અધિકારીઓએ સમજાવીને રવાના કર્યા
ઉમટી પડેલા લોકોને પોલીસ અધિકારીઓએ સમજાવીને રવાના કર્યા

ત્રણ ટ્રક ઉપરાંતનો લારી-ગલ્લાનો સામાન જપ્ત કરાયો
વડોદરા કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારી મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું કે, આજે ગોરવા મધુનગર વિસ્તારમાં ગેરકાયદે રસ્તા ઉપર લારી-ગલ્લા, શેડ, તંબુ સહિતના જે દબાણો કરવામાં આવ્યા હતા. તે દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના બની નથી. જ્યાં જરૂર જણાય ત્યાં જે.સી.બી. દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ત્રણ ટ્રક ઉપરાંતનો લારી-ગલ્લા, પીંજરા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

કામગીરીમાં ખલેલ પહોંચાડનારાઓ સામે કાર્યાવાહી થશે
ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પહોંચેલા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, લોકો લારી-ગલ્લા દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે તેની સામે અમારો કોઇ વાંધો નથી. પરંતુ, રસ્તા ઉપર દબાણો કરીને લોકોને હાલાકી પહોંચાડે તે યોગ્ય નથી. સરકાર દ્વારા લારી-ગલ્લાવાળાઓને લોનની પણ સહાય કરે છે. ત્યારે કોઇને નડતરૂપ ન થાય તે રીતે લારી-ગલ્લા મુકી ધંધો કરવો જોઇએ. અને લારી-ગલ્લાવાળાઓએ પણ સમજવાની જરૂર છે. આજે દબાણો દૂર કરાયા પછી પણ દબાણો કરવામાં આવશે તો પાલિકા દ્વારા પુનઃ દબાણો દૂર કરી દેવામાં આવશે. તે સાથે આજે જે લોકોએ પોલીસ અને દબાણ શાખાની ટીમ સાથે ગેરવર્તણૂંક કરી છે તે અંગે કાર્યવાહી પણ કરવા પણ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

માથાભારે તત્ત્વોએ કરેલાં દબાણો દૂર કરાયાં
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે, ગોરવા વિસ્તારમાં માથાભારે રફીક રાઠોડ સહિતના તત્વો દ્વારા મોટા શેડ બનાવીને ગેરકાયદે ધંધો કરવામાં આવતો હતો તે દૂર કરાયા હતા. કામગીરી દરમિયાન જે લોકોએ ઘર્ષણમાં આવીને ઝપાઝપી કરી હતી તેવા લોકો સામે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરાશે.

નોન-વેજનો વેસ્ટ નાખતી લારીઓ હટાવાઇ
કરોડીયા કેનાલ પરના રસ્તા પર ગેરકાયેદસર રીતે નોન-વેજની લારીઓ ઉભી કરી દેવાઇ હતી. આ લારીઓનો નોનવેજનો વેસ્ટ કેનાલના પાણીમાં નાખવામાં આવતો હતો. જેના કારણે પાણી દૂષીત થતું હતું. કેનાલ પરથી લારીઓ હટાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...