વડોદરામાં જાહેરમાં હત્યા:પત્ની સાથે આડાસંબંધના વહેમમાં વિધર્મીએ સિક્યોરિટી જવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી, પત્નીનું હૈયાફાટ રુદન

વડોદરા2 મહિનો પહેલા
  • સિક્યોરિટી જવાન ચાની લારી પણ ચલાવતો હતો
  • હત્યારાની અટકાયત, કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે

વડોદરા નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી.માં સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની અજાણ્યા શખએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં વિધર્મી હત્યારાની અટકાયત કરી હત્યાના બનાવનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં હત્યારાને વહેમ હતો કે ચાની લારી ચલાવનારને પત્ની સાથે આડાસંબંધ હતા.

ચાની લારી પાસે જ માલિકની હત્યા
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વરણામા ગામના વતની અને હાલ પોર રમણગામડીના રહેવાસી જયેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉં.વ.45) પોર જી.આઇ.ડી.સી.માં સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા હતા અને જી.આઇ.ડી.સી.માં જ ચાની લારી ચલાવતા હતા. સોમવારે વહેલી સવારે અજાણ્યા શખસે તેમની ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારા ફરાર થઇ ગયા હતા.

લાશનો કબજો લઈ પોલીસે તપાસ શરૂ કરી.
લાશનો કબજો લઈ પોલીસે તપાસ શરૂ કરી.

પત્નીનું હૈયાફાટ રુદન
પતિની હત્યાની જાણ પત્ની ઉષાબહેન પરમારને થતાં તેઓ ભારે આંક્રદ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પતિની લાશ જોઇ સ્તબ્ધ બની ગયા હતા. તેમણે રડતાં રડતાં પોલીસને જણાવ્યું હતું કે મારો પતિ નિર્દોષ છે. પતિની હત્યા કરનારને કડકમાં કડક સજા આપો. ઘટનાસ્થળે પત્નીના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. આ બનાવે પોર રમણગામડી ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ
બીજી બાજુ, આ બનાવની જાણ વરણામા પોલીસને થતાં પી.એસ.આઇ. બી.એન. ગોહિલને થતાં તરત જ તેઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. એ સાથે આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને થતાં પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. મરનારની પત્ની અને સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસનો દૌર શરૂ કર્યો હતો અને હત્યારો ફરાર થઈ ન જાય એ માટે અલગ-અલગ ટીમો બનાવી હત્યારાને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરી હતી.

પતિના હત્યાની જાણ થતાં પત્ની ઘટનાસ્થળે દોડી આવી.
પતિના હત્યાની જાણ થતાં પત્ની ઘટનાસ્થળે દોડી આવી.

હત્યારો મૂળ વડોદરા કિશનવાડીનો
દરમિયાન ગણતરીના કલાકોમાં પોલીસે જયેશભાઇ પરમારને મોતને ઘાટ ઉતારનાર મૂળ રહેવાસી વડોદરાના કિશનવાડી વિસ્તારમાં 168, તુલસી ચોકનો રહેવાસી અને છેલ્લા એક માસથી જૂની જી.આઇ.ડી.સી.માં આવેલા રાકેશ પટેલના લાકડાની કંપનીમાં રહેતા 30 વર્ષીય રમીઝરાજા હનીફમહંમદ દાયમા (વિધર્મી)ને દબોચી લીધો હતો. પોલીસે તેની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે.

હત્યા કરનારની અટકાયત કરવામાં આવી.
હત્યા કરનારની અટકાયત કરવામાં આવી.

વહેલી સવારે મોતને ઘાટ ઉતારાયો
વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન. ગોહિલે જણાવ્યું હતું કે જયેશ પરમારને મોતને ઘાટ ઉતારનાર હત્યારા રમીઝરાજા દાયમા (વિધર્મી)ને એવો વહેમ હતો કે જયેશ પરમારનાં પત્ની સાથે આડાસંબંધ છે, આથી તેને જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી દેવા માટે પૂર્વ કાવતરું રચ્યું હતું. સોમવારની વહેલી સવારે અજવાળું પથરાય તે પહેલાં ચાની લારી ચાલુ કરવા માટે આવી પહોંચેલા જયેશ પરમારના શરીર પર ઉપરા-છાપરી ચપ્પુ જેવા હથિયારથી 3થી વધુ ઘા મારી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.

મોતને ઘાટ ઉતારી દેવાયેલા જયેશ પરમારનો મૃતદેહ.
મોતને ઘાટ ઉતારી દેવાયેલા જયેશ પરમારનો મૃતદેહ.

કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે
વરણામા પોલીસે રમીઝરાજા દાયમા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ મળ્યે આ બનાવમાં અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય એમ નથી એમ વરણામા પી.એસ.આઇ. બી.એન. ગોહિલે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...