ઢોર પાર્ટી પર હુમલો:વડોદરામાં પશુપાલકો ઢોર પાર્ટી અને પોલીસ પર હુમલો, પથ્થરમારો કરીને 3 ઢોર છોડાવી ગયા, સુપરવાઇઝર-પોલીસકર્મીઓને ઇજા

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા કોર્પોરેશનની ઢોરપાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું - Divya Bhaskar
વડોદરા કોર્પોરેશનની ઢોરપાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
  • અકોટા આર.સી. દત્ત એસ્ટેટ પાસે ઢોર પાર્ટી ઢોર પકડવા ગઇ હતી
  • ઢોર પાર્ટી ભરણ લેતી હોવાના પશુપાલકોના આક્ષેપ

હાઇકોર્ટના રખડતા ઢોર અંગેના કડક વલણ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતી ગાયો તેમજ ગેરકાયદે ઢોરવાડા દૂર કરવા માટે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરી છે. ઠેર-ઠેર પશુપાલકો અને ઢોર પાર્ટી વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. આમ છતાં, ઢોર પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારે અકોટા આર.સી. દત્ત એસ્ટેટ પાસે રખડતી ગાયો પકડવા માટે કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત પાસે પહોંચી હતી. અને રખડતા 3 ઢોર પકડ્યા હતા. જોકે, ટોળે વળી ગયેલા પશુપાલકોએ ઢોર પાર્ટી અને પોલીસ ઉપર હુમલો અને પથ્થરમારો કરી 3 પશુ છોડાવી ગયા હતા. આ ઘટનામાં પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી છે. પશુપાલકોએ ઢોર પાર્ટી ઉપર ભરણ લેતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મેયર અને પશુપાલકો વચ્ચે બેઠક યોજાઈ
ઉલ્લેખનિય છે કે, રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા કોર્પોરેશન એક્શનમાં આવતા પશુપાલક અને પાલિકા વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે, ત્યારે પશુપાલકોએ મેયર સાથે ગુરૂવારે બેઠક યોજી કઠોર કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ બેઠકના 15 કલાક બાદ અકોટા આર.સી. દત્ત એસ્ટેટ પાસે ઢોર પકડનાર ઢોર પાર્ટી અને પોલીસ ઉપર હુમલો કરીને પશુપાલકો 3 પશુ છોડાવી ગયા હતા.

પશુપાલકોનો ઢોરપાર્ટી ઉપર ખોટી રીતે પશુ પકડ્યા હોવાનો આક્ષેપ
પશુપાલકોનો ઢોરપાર્ટી ઉપર ખોટી રીતે પશુ પકડ્યા હોવાનો આક્ષેપ

ખીલે બાંધેલા પશુઓ પકડ્યાનો આક્ષેપ
આજે સવારે ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે આર.સી. દત્ત રોડ ઉપર રખડતા પશુઓ પકડવા માટે પહોંચી હતી. ઢોર પાર્ટી પહોંચતાની સાથે જ પશુપાલકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઢોર પાર્ટીએ રખડતા ઢોર ઢોર ડબ્બામાં પુરતા પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો. ઢોર પાર્ટીએ ઘાસ ચરી રહેલા અને બાંધેલા પશુઓ ઢોર ડબ્બામાં પૂર્યા છે. પશુપાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો. ઢોર પાર્ટી ખોટી રીતે પશુઓ પકડી રહી છે. ઢોર પાર્ટીને પશુપાલકો દ્વારા પ્રતિમાસ ભરણ પણ આપવામાં આવે છે. છતાં, ઢોરપાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આજે પશુપાલકોએ ઢોરપાર્ટી અને પોલીસ ઉપર પથ્થરમારો કરતા ઢોર પાર્ટીના સુપરવાઇઝર પી.વી. રાવ અને પોલીસ જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ઢોરપાર્ટી ઉપર હુમલો કરી પશુપાલકો પશુ છોડાવી ગયા
ઢોરપાર્ટી ઉપર હુમલો કરી પશુપાલકો પશુ છોડાવી ગયા

કોર્પોરેશન દ્વારા ફરિયાદ કરાશે
પશુપાલકો દ્વારા ઢોરપાર્ટી અને પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા જે.પી. પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી લીધી હતી. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા પણ ઢોર પાર્ટી અને પોલીસ ઉપર હુમલો કરનાર પશુપાલકો સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે અકોટા આર.સી. દત્ત રોડ એસ્ટેટ પાસે બનેલી ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

મેયર અને માલધારીઓ વચ્ચે બેઠક યોજાઇ
મેયર અને માલધારીઓ વચ્ચે બેઠક યોજાઇ

પશુપાલક સમાજનું એક અંગ છે
ભરવાડ સમાજના અગ્રણી ઝાલા ભરવાડે જણાવ્યું હતું કે, પશુપાલકો અને પોલીસ-પાલિકા વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુરૂવારના રોજ ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં અમો મેયર કેયુર રોકડિયાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પશુપાલકોએ રજૂઆત કરી છે કે, રસ્તા ઉપર રખડતા પશુ સામે તંત્ર કાર્યવાહી કરે તેની સામે અમને વાંધો નથી. પરંતુ, પશુપાલક વર્ગ પણ સમાજ માટે અગત્યનો અંગ છે. તે દિશામાં પણ વિચાર કરવો જરૂરી છે.

તો અમને કાર્યવાહી કરવી ન પડે
તો બીજી તરફ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ ખાતરી આપી છે. નગરજનોને સમસ્યા ઊભી ન થાય તે પ્રકારે ઢોર રાખવામાં આવશે. જો નગરજનોને રાહત થશે તો તંત્રને કાર્યવાહીની જરૂર રહેશે નહીં. જોકે, આ બેઠકના 15 કલાકમાં જ શુક્રવારે સવારે અકોટા આર.સી. દત્ત રોડ એસ્ટેટ પાસે પશુપાલકો ઢોરપાર્ટી અને પોલીસ ઉપર હુમલો કરી 3 પશુ છોડાવી ગયાની ઘટના બની હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા આ અંગે કેવી કાર્યવાહી હાથ ધરે છે. તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...