ગુજરાત વિધાનસભા ચૂંટણી:વડોદરામાં સતત બીજા દિવસે એકપણ ઉમેદવારી પત્ર ન ભરાયું, બે દિવસમાં કુલ 177 ફોર્મનો ઉપાડ

વડોદરા19 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વડોદરા શહેર-જિલ્લાની એક પણ બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાના સતત બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. આજે વધુ 57 ફોર્મનો ઉપાડ થયો હતો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર
વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.5 ડિસેમ્બરના રોજ અને મતગણતરી તા.8 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ તમામ બેઠકોનું જાહેરનામુ જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારીપત્રો ભરવાના બીજા દિવસે આજે શહેર જિલ્લામાં એક પણ બેઠક પર ઉમેદવારી પત્ર ભરાયું નથી. ઉમેદવારી પત્રો જાહેર રજાના દિવસ સિવાય તા.17/11/2022 સુધી ભરી શકાશે.

આજે 57 ફોર્મનો ઉપાડ
આજે સાવલીમાંથી 5, વાઘોડિયામાંથી 8, ડભોઈમાંથી 2, પાદરામાંથી 6, કરજણમાંથી 8, વડોદરા (શહેર) માંથી 11, સયાજીગંજમાંથી 2, અકોટામાંથી 14, રાવપુરામાંથી 5 અને માંજલપુર વિધાનસભા વિભાગમાંથી 2 સહિત 57 મળી બે દિવસમાં કુલ 177 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકીએ જણાવ્યું છે.

મતદાન અંગે સર્વેક્ષણ અને અનુમાનો સમૂહ માધ્યમોમાં પ્રસિધ્ધ ક૨વા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી–22 ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ ( Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ ક૨વા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ–126 (એ)ની પેટા કલમ–1 હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે.

નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી થશે
જે અન્વયે તા.12/11/2022 ના સવારના 8 કલાકથી તા.5/12/2022 ના સાંજના 5:30 કલાક દરમ્યાન મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા 48 ક્લાકના સમયગાળા દરમ્યાન મતદાર અંગેના અનુમાનો (Opinion Poll) સહિતની કોઈપણ ચૂંટણી સામગ્રી કોઈપણ ઈલેકટ્રોનિક માધ્યમો ૫૨થી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-12(1)(બી) હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ.સોલંકીએ જણાવ્યું છે.