પ્રેમ પ્રકરણમાં હત્યા:વડોદરામાં પૂર્વ પ્રેમિકાના સાસુની વિધર્મી પ્રેમીએ ગળા ઉપર છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી, વહુ જ શંકાસ્પદ ભૂમિકા

વડોદરા19 દિવસ પહેલા

શહેરના વડસર બ્રિજ નજીક આવેલા 401, જય અંબે ફ્લેટમાં રહેતી પૂર્વ પ્રેમિકાના ઘરે ધસી ગયેલા વિધર્મી યુવાને દરવાજો ખોલનાર પૂર્વ પ્રેમિકાની સાસુના ગળા ઉપર છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. સનસનાટી મચાવી મૂકનાર આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી લીધી હતી. આ બનાવમાં આરોપી ખરેખર પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યા કરવા જ આવ્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે માંજલપુર પોલીસે વિધર્મી યુવાન સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જો કે, સાસુની હત્યામાં વહુની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા ઉઠી છે.

પરિવાર 401, જય અંબે ફ્લેટમાં રહે છે
મળેલી માહિતી પ્રમાણે વડસર બ્રિજ પાસે 401, જય અંબે ફ્લેટમાં ઠાકોરભાઇ પરમાર તેમના પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવા યાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા. આજે બપોરના સમયે ઠાકોરભાઇ પરમાર અને તેમનો પુત્ર અશ્વિન નોકરી ઉપર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબેન હતા.

પ્રેમ પ્રકરણમાં પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી
પ્રેમ પ્રકરણમાં પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી

પિતા-પુત્ર નોકરી ઉપર હતા
બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમી સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતા જ દક્ષાબહેન પરમારે દરવાજો ખોલ્યો હતો. દક્ષાબેને દરવાજો ખોલતા જ સોનુ પઠાણે દક્ષાબેન કઈ વિચારે તે પહેલાં તેમના ગળા ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. દક્ષાબેન સ્થળ પર જ ફસડાઇ પડ્યા હતા અને લોહીના ભરાયેલા ખાબોચીયામાં દમ તોડી દીધો હતો. દક્ષાબેને મોતને ભેટતા સોનુ અને તેનો મિત્ર હસીન ફરાર થઇ ગયા હતા.

હત્યાનો ભોગ બનેલી મહિલા જય અંબે ફ્લેટમાં રહેતી હતી
હત્યાનો ભોગ બનેલી મહિલા જય અંબે ફ્લેટમાં રહેતી હતી

એક કલાકમાં હત્યારાને ઝડપી પાડ્યો
દરમિયાન આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરાતા ઝોન 3ના DCP યશપાલ જગાણીયા તેમજ માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા અંગે કોઈ જાણ ન હોવાનો ડોળ કરનાર ભાવના પરમાર પાસેથી પ્રાથમિક વગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. બીજી બાજુ એક ટીમને હત્યારા સોનુને ઝડપી પાડવા ટીમ રવાના કરી દીધી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારાની GIDC પાસેથી ધરપકડ કરી લીધી હતી. જો કે, તેનો મિત્ર હસીન પઠાણ મોડી રાત સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

માંજલપુર પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો
માંજલપુર પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો

ભાવના પરમારની શંકાસ્પદ ભૂમિકા
સાસુની થયેલી હત્યા અંગે ભાવના પરમારે જણાવ્યું હતું કે, બે અજાણ્યા યુવાનો ઘર પાસે આવ્યા ત્યારે હું બાજુના ઘરમાં ગઇ હતી. ત્યારબાદ શું થયું તેની મને ખબર નથી. જો કે, આ હત્યાના બનાવમાં ભાવના પરમારની શંકાસ્પદ ભૂમિકા જણાઇ આવી હતી. પોલીસે ભાવના પરમારની પણ પૂછપરછ શરૂ કરી છે. તે સાથે પોલીસે ભાવના પરમારના પૂર્વ પ્રેમી સોનુની પણ ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. આ બનાવમાં ભાવનાના સાસુ દક્ષાબેન પ્રેમ સબંધમાં નડતરૂપ બનતી હોય, હત્યારાએ પૂર્વ પ્રેમિકા સાથે મળી હત્યા કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. બન્નેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા.
ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા.

પ્રેમિકાએ પૂર્વ પ્રેમીને ફોન ન કરવા જણાવ્યું હતું
મળેલી માહિતી પ્રમાણે ભાવના પરમાર અને સોનુ વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી પ્રેમ સબંધ હતો. દરમિયાન ભાવનાના બે માસ પહેલાં અશ્વિન પરમાર સાથે લગ્ન થઈ ગયા હતા. લગ્ન બાદ પણ સોનુ ભાવનાને ફોન કરીને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ભાવનાએ વિધર્મી પ્રેમી સોનુને ફોન ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, પ્રેમી સોનુ અવારનવાર ભાવનાને ફોન કરતો હતો. આથી હત્યા સમયે ભાવનાનું પોતાના ઘરેથી રહસ્યમય જતું રહેવું તે શંકા ઉપજાવી રહ્યું છે.

હત્યાના બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા પુરાવાઓ એકઠા કર્યા
હત્યાના બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા પુરાવાઓ એકઠા કર્યા

હત્યારા સાથે આવેલા તેના મિત્રની શોધખોળ
સમગ્ર વડસર બ્રિજ વિસ્તારમાં સનસનાટી મચાવી મુકનાર આ બનાવ અંગે ઝોન 3ના DCP યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, ભાવના પરમાર અને સોનુ વચ્ચે પ્રેમ સબંધ હતા. પરંતુ, ભાવનાના લગ્ન થઈ જતાં તેની અદાવતમાં સોનુએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હત્યારાએ દરવાજો ખખડાવ્યો ત્યારે ભાવનાની સાસુ દક્ષાબેને દરવાજો ખોલતા તેના ઉપર હત્યારાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે. હત્યારાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસ મથકમાં હત્યારા સોનુ (રહે. નવાયાર્ડ, વડોદરા) સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સાથે તેની સાથે આવનાર તેના મિત્ર હસીન પઠાણની શોધખોળ ચાલી રહી છે.