કોરોનામાં આર્થિક સ્થિતિ કથળતાં અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિમાં મુકાયેલી 125 સહિત 5 વર્ષમાં જરૂરતમંદ 600થી વધુ વિદ્યાર્થિનીને યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ અપાવી આનંદ આશ્રમ સંસ્થા તેમને સમાજમાં પગભર કરી છે. સંસ્થાએ 5 વર્ષ પહેલાં 11 છોકરીને શિક્ષણમાં મદદ કરવા અભિયાન શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં 600થી વધુ વિદ્યાર્થિનીની 60 લાખ જેટલી ફી ભરી હતી.
આનંદ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી કે.એસ.છાબરાએ જણાવ્યું કે, એક કાર્યક્રમમાં તેઓ વહેલા પહોંચ્યા બાદ બાંકડે બેઠા હતા. દરમિયાન તેમની પાસે ભેગા થયેલા છોકરાઓને પૂછતાં તેઓ અભ્યાસ બાદ ડોક્ટર, પોલીસ, વકીલ બનવા માગતા હતા. જોકે એક દીકરીએ આંખો નીચી કરી જવાબ આપ્યો ન હતો. તેને પૂછતાં તેના પિતાનું કેન્સરના કારણે મૃત્યુ થયું હોવાથી તેની માતાએ ધો.12 બાદ અભ્યાસ છોડી ઘરોમાં કચરા-પોતું કરી કમાવવા જણાવ્યું હતું. તે દિવસથી સંસ્થા ‘આશાએ’ કાર્યક્રમ હેઠળ ગરીબ દીકરીઓને ફી આપી રહી છે.
સંસ્થા સરકારી સ્કૂલોમાં પહોંચી વિદ્યાર્થિનીની પસંદગી કરે છે. જેમાં તેની અભ્યાસની ધગશ, પરીવારની સ્થિતિ વગેરે બાબતો ચકાસ્યા બાદ અભ્યાસ માટે મદદ કરે છે. સંસ્થા ધોરણ પ્રમાણે રૂા.8 હજારથી માંડીને 12 હજાર સુધીની ફી ભરે છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીઓ ઉચ્ચતર અભ્યાસ પૂર્ણ કરે ત્યારબાદ સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ, કોન્ફિડન્સ બિલ્ડિંગ, ટ્રેનિંગ ફોર ગેટિંગ જોબ્સ જેવી તાલીમ અપાય છે.
કેસ સ્ટડી-1 - પિતાના મૃત્યુ બાદ મદદ મળી
કોરોના મહામારીમાં મારા પિતાનું કેન્સરના કારણે મૃત્યુ નિપજ્યું હતું. પિતાનું મૃત્યુ થયા બાદ ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહતું. જેથી મેં સંસ્થા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, શું હવે હું આગળ કોઈ દિવસ અભ્યાસ નહીં કરી શકું. ત્યારે સંસ્થાએ મને આશ્વાસન આપીને મારો અભ્યાસ ચાલુ રાખવા મદદ કરી હતી.
કેસ સ્ટડી-2 - શિક્ષણની સાથે નોકરી પણ અપાવી
મારા પિતાને પેરાલિસીસ થઈ ગયો હતો, જેથી તેઓનું દુકાને જવાનું બંધ થઈ ગયું હતું. જે બાદ ઘર ચલાવવા માટે મેં
અભ્યાસની સાથે સાથે નોકરી કરવાનું પસંદ કર્યું હતું. મેં આ અંગે સંસ્થા પાસે મદદ માગી હતી. સંસ્થાએ મને નોકરી પણ અપાવી હતી અને અભ્યાસમાં પણ મદદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.