ચૂંટણી:વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 576 મતદાન મથકો: 4,28,603 મતદારો નોંધાયા

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવાર 19 ડિસેમ્બર-2021ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. વડોદરા જિલ્લામાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં સરપંચ માટે 849 અને વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો પર 2,21,222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- 4,28,602 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી, 68 મદદનીશ ચૂંટણી અધિકારી, 3219 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી માટે 883 મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવશે.

વડોદરા જિલ્લામાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની, પાદરામાં 24, કરજણમાં 22, શિનોરમાં 26, ડભોઈમાં 51, વાઘોડિયામાં 38, સાવલીમાં 46 અને ડેસર તાલુકામાં 14 સહિત કુલ 260 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં 8 વોર્ડ ધરાવતી 244, 10 વોર્ડ ધરાવતી 34 અને 12 વોર્ડ ધરાવતી 09 જ્યારે 14 અને 16 વોર્ડ ધરાવતી એક એક ગ્રામ પંચાયત છે. તેની સાથે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં પાદરા તાલુકામાં એક, કરજણમાં એક સહિત કુલ બે ગ્રામ પંચાયતોમાં ત્રણ વોર્ડની તેમજ કરજણ તાલુકાના અટાલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે.

ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા.21.12.2021 ના રોજ હાથ ધરવામાં આવશે. મત ગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે.આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ,65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...