માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષા માટે ગાંધીનગર બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરા જિલ્લાના ડીઇઓના અધિકારીઓ દ્વારા જિલ્લાની પરીક્ષા અંગેની માહિતી રજૂ કરી હતી. વડોદરા જિલ્લામાં ધોરણ 10 ના 4 ઝોન અને ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે. ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગો,ધો - 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે. બોર્ડ પરીક્ષાના આયોજન અને અમલીકરણ માટે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીઇઓ કચેરીના અધિકારીઓને પરીક્ષાનું સુચારું સંચાલન અને સઘન મોનીટરીગ સાથે વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેનું આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. બોર્ડ પરીક્ષામાં લહીયા અંગે આગોતરુ આયોજન કરીને તેની વ્યવસ્થા ગોઠવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પરીક્ષામાં બોર્ડની સૂચના પ્રમાણે પરીક્ષાનો એકશન પ્લાન તૈયાર કરીને મોકલવામાં આવશે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે કોરોનાની ગાઇડ લાઇન પણ અમલમાં રહેશે.
જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ના પડે તે માટે આયોજન કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ધોરણ 10 ના 4 ઝોન માંજલપુર,ગોત્રી,રાવપુરા,કારેલીબાગમાં પરીક્ષા યોજાશે. અને ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે. જેમાં માંડવી અને સયાજીગંજ ઝોનમાં પરીક્ષા લેવાશે. ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગોપર યોજાશે. ધો - 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે. વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીની રચના કરવાનું આયોજન
આગામી સમયમાં બોર્ડ પરીક્ષા માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમીતીની રચના કરવામાં આવશે. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને સંકલનમાં લેવામાં આવશે. જેમાં વિજ કંપની,એસટી,આરોગ્ય,ડીઇઓ કચેરીના અધિકારીઓની સંયુકત ટીમ બનાવીને પરીક્ષાનું સંચાલન વિના વિધ્ને પાર પડે તે માટે કામગીરી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.