રખડતા ઢોરનો આતંક:વડોદરામાં ઢોરપાર્ટી અને પશુ પાલકો વચ્ચેની રેસમાં રસ્તા પર દોડતી ગાયે મહિલાનું માથું ફોડી નાખ્યું, 9 ટાંકા આવ્યા

વડોદરા14 દિવસ પહેલા
ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરતી અન્ય મહિલાઓ
  • કિશનવાડી વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી

વડોદરામાં છાશવારે ગાયના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર એક મહિલા ગાયના હુમલાનો ભોગ બની છે. શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં એક મહિલાને ગાયે ભેટીએ ચઢાવતા માથામાં નવ ટાંક આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના કોર્પોરેશનની ઢોર પાર્ટી કિશનવાડી વિસ્તારમાં રસ્તા ઉપર રખડતી ગાયોને પકડવા ગઈ હતી તે દરમિયાન ગૌપાલકો પોતાની ગાયો પકડાતા બતાવવા માટે નીકળ્યા હતા તે સમયે બની હતી.

રસ્તે જતા મહિલાને ગાયે ભેટી મારી
મળેલી માહિતી પ્રમાણે આજે બપોરે વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે કિશનવાડી વિસ્તારના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવા માટે નીકળી હતી. તે દરમિયાન ગૌપાલકો પોતાની ગાયોને કોર્પોરેશનની ઢોર પાર્ટીથી બચાવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રોડ પર દોડતી ગાયો પૈકી એક ગાયે મધુબેન બારોટ નામની 55 વર્ષીય મહિલાને ભેટીએ ચડાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઈજા પહોંચતા તુરંત જ સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહિલાના માથે 9 ટાંકા આવ્યા
સયાજી હોસ્પિટલના તબીબોએ મધુબેનની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન તબીબોએ મહિલાના માથામાં 9 ટાંકા લીધા હતા. કિશનવાડી વિસ્તારમાં બનેલા આ બનાવે ચકચાર જગાવી મુકી હતી. તે સાથે સ્થાનિક લોકોએ પુનઃ એકવાર રસ્તા ઉપર રખડતી ગાયોના ત્રાસ અંગે કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...