વડોદરામાં દિવાળીની રાત્રે કોમી છમકલું:પાણીગેટ વિસ્તારમાં રાતના 1 વાગ્યે સ્ટ્રીટ લાઇટ બંધ કરી પથ્થરમારો, DCP પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયો

એક મહિનો પહેલા

શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 19 લોકોની અટકાયત કરી છે.

DCP ઝોન-3 યશપાલ જગાણિયા માંડ માંડ બચ્યા
વડોદરામાં દિવાળીની રાત્રે જ 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાણીગેટ વિસ્તારમાં પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. પથ્થરમારાની આ ઘટના પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી.

દિવાળીની રાત્રે અસામાજીક તત્વોએ કહેર વર્તાવ્યો
મોડી રાતે તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થતાં તોફાનીઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં તોફાનીઓએ આતંક મચાવ્યો હતો અને પથ્થરમારો, આગચંપી અને પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. જો કે, ઘટનાને પગલે પોલીસના ઘાડેઘાડા ઉતરતાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. તો ફરી છમકલું ન થાય તેના માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સ્થિતિને કાબૂમાં લેવા પોલીસના ધાડેધાડા ઉતારવા પડ્યા
પાણીગેટની મુસ્લિમ હોસ્પિટલથી સ્વામિનારાયણ મંદિર સુધીના પટ્ટામાં તોફાનીઓ બેફામ બની મોટાપાયે તોડફોડ અને આગચંપી કરી હતી. કોમી છમકલાંને પગલે તહેવારોના સમયમાં માહોલ વધુ ના બગડે તે માટે આ વિસ્તારમાં પોલીસે ધાડેધાડા ઉતારી દીધા હતા. જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત, SOG અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દોડી ગઈ હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસની હાજરીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. દરમિયાન પોલીસ અધિકારી સહિતના પોલીસ કાફલા પર કોઈ તોફાનીએ પેટ્રોલ બોમ્બ ઝીંક્યો હતો. આ મામલે પોલીસે જાતે જ ફરિયાદી બનીને 19 જેટલા તોફાનીઓની અટકાયત કરી હતી.

અગાઉ પણ આ વિસ્તારમાં કોમી છમકલાંના બનાવ બન્યા છે
વડોદરાનો પાણીગેટ વિસ્તારને કોમી રીતે સંવેદનશીલ ગણાય છે. અહીં છાશવારે છમકલાં થયાના બનાવ છે. અગાઉ ગણેશ વિસર્જન, તાજિયા જેવા પ્રસંગોએ પણ અહીં પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...