• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, An Agent Carrying A Plea Of Deprivation Of Rights Of Naib Mamtdar Was Attacked With A Poker, Left Chest And Left Hand Injured.

બોલાચાલી બાદ હુમલો:વડોદરામાં નાયબ મામલતદારનો હક કમીની અરજી લઇને ગયેલા એજન્ટ ઉપર પોકરથી હુમલો, છાતીની ડાબી બાજુ અને ડાબા હાથે ઇજા થતાં પડી ગયા

વડોદરા22 દિવસ પહેલા
નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત.
  • નાયબ મામલતદાર ઉપર નાણાં માંગ્યોનો ઇજાગ્રસ્તનો આક્ષેપ

શહેરના નર્મદા ભવનના પહેલા માળે ઇ-ધરા કેન્દ્રમાં દસ્તાવેજ બાદ નોટિસ કાઢવા મુદ્દે એક એજન્ટ અને નાયબ મામલતદાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નાયબ મામલતદારે ટેબલ ઉપર પડેલું પોકરથી એજન્ટ ઉપર હુમલો કરતા એજન્ટને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તે નાયબ મામલતદારે નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

રૂમ નંબર-111 માં ઝઘડો થયો
રાવપુરા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત નિલેશ મનુભાઇ પટેલે (રહે. 10, દર્શનમ્ વિલા સોલેસ હોસ્પિટલ પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પ્રતિક એસ. પટેલ એડવોકેટ સાથે મદદમાં રહું છું. સંજય હિરાભાઇ પટેલની હક કમીની અરજી લઇને નર્મદા ભુવન પ્રથમ માળે ઇ-ધારા કેન્દ્રમાં રૂમ નંબર-111 માં ગયો હતો. ત્યાં ફરજ ઉપરના નાયબ મામલતદાર રમેશભાઇ પી. પટેલે અમોને જણાવ્યું હતું કે, તમારે અરજી લઇને આવવું નહિં. તેમ જણાવી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બહાર નીકળી જવા માટે જણાવ્યું હતું. અમે રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

ઇજાગ્રસ્ત નીચે પડી ગયો
દરમિયાન નાયબ મામલતદારે ટેબલ ઉપર પડેલ પોકરથી હુમલો કર્યો હતો. જેમાં મને છાતીની ડાબી બાજુ અને ડાબા હાથે ઇજા થઇ હતી. જેના કારણે હું નીચે પડી ગયો હતો. આ અંગે મારા વકીલને જાણ કરતા તેઓએ તુરતજ 108 એમ્બ્યુલન્સ મોકલી આપી હતી, અને મને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે નાયબ મામલતદાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યો હતો
ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યો હતો

135-ડીની નોટિસ કાઢવા આગ્રહ
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તેને સંલગ્ન કચેરીઓ અને દસ્તાવેજ નોંધણી કચેરીઓ સહિતની રેવન્યૂ કચેરીઓમાં લાઇઝનિંગનું કામ કરતો નિલેશ પટેલ નામનો એજન્ટ પોતાના પરિચિત સંજયભાઇ પટેલના કરેલા ખેતીના દસ્તાવેજ તેમજ તેને લગતા કાગળો જમા કરાવવા માટે નર્મદા ભવન ખાતે પ્રથમ માળ પર આવેલી ઇ-ધરા કચેરીમાં ગયા હતાં અને માલિકી હક્કની નોંધણી કરાવવા માટે નાયબ મામલતદારને મળી તમે 135- ડીની નોટિસ આજે કાઢો તેવો આગ્રહ કર્યો હતો.

નર્મદા ભુવનમાં ઇ-ધારા ઓફિસમાં ઝઘડો થયો
નર્મદા ભુવનમાં ઇ-ધારા ઓફિસમાં ઝઘડો થયો

નર્મદા ભુવનામાં ચર્ચાનો વિષય
દરમિયાન નાયબ મામલતદારે મારે કામ કેવી રીતે કરવું તે સમજાવવાની જરૃર નથી તેમ કહ્યા બાદ મામલો ગરમ બન્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ વખતે ઇ-ધરા કેન્દ્રમાં હાજર ઓપરેટરો સહિત અનેક અરજદારો ભેગા થઇ ગયા હતાં. ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને નાયબ મામલતદારે નિલેશ નામના એજન્ટને કાગળોને કાણાં પાડવા માટેનો પોકર મારી દેતાં તેને ઇજા થઇ હતી. આ બનાવે નર્મદા ભુવનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...