શંકાની કોઇ સીમા નથી...વડોદરામાં પોએમ અને સ્ટોરી લખવાના શોખથી શંકાશીલ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સોસાયટીમાં આબરું ન જાય અને પોતાનો સાંસારીક જીવન ટકી રહે તે માટે પત્નીએ અભયમની મદદ માંગી હતી. ઘરની બહાર જઇને 181 મહિલા હેલ્પ લાઇન ઉપર મદદ માટે ફોન કરનાર મહિલાનો રડકસ અવાજ સાંભળી ગણતરીની મિનીટોમાં અભયમ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને માત્ર શંકાના આધારે તૂટી રહેલા 8 વર્ષના લગ્ન જીવનને બચાવી લીધું હતું.
સુખી દાંપત્ય જીવનમાં શંકાએ પલિતો ચાંપ્યો
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં સંગીતાબહેન (નામ બદલ્યું છે) પતિ મુકેશભાઇ (નામ બદલ્યું છે) અને છ વર્ષની દીકરી કવિતા (નામ બદલ્યું છે) સાથે રહે છે. સંગીતાના લગ્ન આઠ વર્ષ પહેલાં મુકેશભાઇ સાથે થયા હતા. પતિ-પત્ની બંને નોકરી કરે છે. કવિતાના જન્મ બાદ સંગીતા અને મુકેશના જીવનમાં ખૂશીનો વધારો થયો હતો. ત્રણે ખૂશમય દિવસો પસાર કરી રહ્યા હતા. પરંતુ, સુખમય સાંસારીક જીવનમાં સંગીતાના કવિતા અને સ્ટોરી લખવાના શોખે પલિતો ચાંપ્યો હતો.
પત્નીને કવિતા, લવ સ્ટોરી, રોમેન્ટીક સ્ટોરી લખવાનો શોખ
સંગીતા કવિતા, લવ સ્ટોરી, બ્રેકઅપ સ્ટોરી, રોમેન્ટીક સ્ટોરી જેવી વિવિધ પ્રકારની સ્ટોરીઓ અને પોએમ લખીને પોતાનો લખવાનો શોખ પૂરો કરવા સાથે પોતાનો સમય પસાર કરતી હતી. પરંતુ, સંગીતાનો આ શોખ મુકેશને પસંદ ન હતો. મુકેશને એવી શંકા હતી કે, પત્ની સંગીતાનો અન્ય કોઇ વ્યક્તિ સાથે અફેર ચાલે છે. જેના કારણે જ તે લવ સ્ટોરી, બ્રેકઅપ સ્ટોરીઓ લખી રહી છે. સ્ટોરી લખવાના કારણે અવાર-નવાર સંગીતા અને મુકેશ વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. ક્યારેક મુકેશ ગુસ્સામાં સંગીતાને માર પણ મારતો હતો. પરંતુ, સંગીતા પોતાની છ વર્ષની દીકરી અને સોસાયટી-સમાજના ડરથી મુંગામોઢે પતિ મુકેશનો માનસિક ત્રાસ સહન કરી રહી હતી.
પતિએ લવસ્ટોરી વાંચતા પત્નીને માર માર્યો
બે દિવસ પહેલાં સંગીતાએ લવસ્ટોરી લખી હતી. આ લવસ્ટોરી પતિ મુકેશે વાંચી હતી. આ સ્ટોરી વાંચ્યા બાદ મુકેશના માનસમાં પહેલેથી સંગીતા ઉપર પરપુરૂષ સાથેના સંબધો અંગેની શંકા તો હતી જ. જેમાં લવ સ્ટોરી વાંચ્યા બાદ મુકેશને પત્ની સંગીતાને તેની ઓફિસમાં કોઇ સાથે અફેર્સ ચાલે છે તેવી શંકા દ્રઢ બની. સંગીતાએ લખેલી સ્ટોરી વાંચ્યા બાદ રોષે ભરાયેલા મુકેશે પત્નીને માર માર્યો હતો અને ઘરની બહાર નીકળી જવા માટે જણાવ્યું હતું. અવાર-નવાર પતિ દ્વારા કરવામાં આવતી મારઝૂડથી ત્રસ્ત થઇ ગયેલ સંગીતાએ પોતાનો સાંસારીક જીવન ન બગડે અને દીકરીની જિંદગી ખરાબ થઇ ન જાય તે માટે અભયમની મદદ લીધી હતી.
ઘરેથી દૂર જઇને પત્નીએ રડમસ અવાજમાં અભયમની મદદ માંગી
સંગીતાએ સોસાયટીમાં ઈજ્જત ન જાય તેવા ડરથી ઘરથી દૂર જઈને 181 ની મદદ માંગી હતી. ગણતરીની મિનિટોમાં અભયમ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. સંગીતાબહેન પાસે પહોંચી ગયેલી અભયમ ટીમને સંગીતાએ રડતા..રડતા.. અભયમ ટીમને જણાવ્યું કે, હું નોકરી કરું છું. મને લખવાનો શોખ છે. હું ઓફિસમાંથી ઘરે આવ્યા બાદ મળતા સમયમાં હું મારો લખવાનો શોખ પૂરો કરું છું. મારા પતિને હું લખું છું તે પસંદ નથી અને મારા ઉપર શંકા રાખે છે. બે દિવસ પહેલાં એક લવસ્ટોરી લખી હતી. તે વાંચીને મને માર માર્યો હતો. અને મને ઘરની બહાર નીકળી જવા માટે જણાવ્યું હતું. મારો સાંસારીક જીવન બચાવી લો.
પત્નીની રચનાઓને યોગ્ય પ્રસિધ્ધી મળે તેવા પ્રયાસ કરો
અભયમ ટીમે સંગીતાબહેનની આપવિતી સાંભળીને પતિ મુકેશભાઇનું કાઉન્સેલિંગ કરી જણાવ્યું કે, તમારા પત્નીને લખવાનો શોખ છે. તેની જાણ હોવા છતા ખોટી શંકા કરવી તેમજ સ્ટોરીના આધારે શંકા કરવી યોગ્ય નથી. તેઓની ક્રિએટિવીટીને પ્રોત્સાહન આપો. તેમની રચનાને યોગ્ય પ્રસિદ્ધિ માટે મદદ રૂપ બનો. આ રીતે મારપીટ કરવી એ કાયદાકીય ગુનો બને છે. પતિને પોતાની ભૂલ સમજાતાં માફી માંગી હતી. આમ અભયમ ટીમે સંગીતા અને મુકેશનું આઠ વર્ષનું લગ્ન જીવન તૂટતા બચાવી લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.