વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતાં ગઈકાલે સાંજે બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTC હવે સામે આવ્યા છે.
રાહદારીઓ મદદે દોડી આવ્યા
દોરી વાગતાંની સાથે જ રાહદારીઓ ઇજાગ્રસ્ત યુવાન મહેશ ઠાકુરની મદદે દોડી આવ્યા હતા અને તરત 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ મહેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં મહેશભાઈનું આખેઆખું ગળું ચિરાઈ ગયું હતું.
પતંગની દોરી વાગતાં મોત
વડોદરા પાસે રણોલીમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર સિક્યોરિટીનો કોન્ટ્રેક્ટર ચલાવતા હતા. તેઓ આજે સાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા-મૂકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે ગળાના ભાગે પતંગના દોરાથી તેમને ગંભીર ઇજા થતાં 108 મારફત સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં આક્રંદ
આ બનાવની જાણ તેમના પરિવારને થતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો છે અને હોસ્પિટલમાં પરિવારમાં જ આક્રંદ કરવા લાગ્યો હતો. મહેશભાઈ પરિણીત હતા અને તેમને એક પુત્ર પણ છે. મહેશભાઈના મૃત્યુની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણને હજુ 10 દિવસ બાકી
ઉત્તરાણયણ 14મી જાન્યુઆરીએ છે અને પર્વને હજુ 10 દિવસ બાકી છે. ત્યારે પતંગની દોરીથી વધુ એક યુવકનું મોત થયું છે. શહેરીજનોએ અને ખાસ બાઇકસવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. માણસોની સાથે સાથે પક્ષીઓ માટે પણ પતંગનો દોરો જીવલેણ સાબિત થઇ રહ્યો છે.
દોરીથી ગળું કપાતાં પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું મોત થયું હતું
વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગી હતી. બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવાર સાંજે સાડાછ વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ(ઉં.30) કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
ગળાની નસો કપાઈ ગઈ હતી
રાહુલ બાથમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતું. ડોક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગળાની નસો કપાઇ જતાં અને વધુ લોહી વહી જતાં તેનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પતંગની દોરીથી ગળું કપાતાં કરુણ મોતને ભેટેલા યુવક રાહુલ બાથમ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભાથીજી પાર્કનો રહેવાસી હતો. તે કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક તેના ગળામાં દોરી વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
સુરતમાં પતંગના દોરાથી ગળું કપાતાં મોત થયું હતું
બે દિવસ પહેલાં જ સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ પોતાની બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન જ એકાએક પતંગનો દોરો આવી જતાં વાહનચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહનચાલકના ગળા પરથી માંજો ફરી જતાં બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું. એને કારણે તેનું મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે એ આ ઘટના પરથી સમજી શકાય છે.
SSGના કર્મચારીને 9 દિવસ પહેલાં 9 ટાંકા આવ્યા હતા
હોસ્પિટલના એમએલઓ દ્વારા જાણવા મળ્યા મુજબ ઓફિસની ઉપર ક્લાર્ક તરીકે પહેલા માળે ફરજ બજાવતા રતિલાલ રાઠવાને 7 દિવસ પહેલાં પતંગના દોરાથી ગળા પર ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેમને નવ ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે તેમણે વચ્ચે હાથ નાખતાં દોરાથી વધુ ઇજા થતાં અટકી ગઈ હતી.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં વેચાણ
ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે છતાં એનું વેચાણ થઇ રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં જ વડોદરાના ગોરવા વિસ્તારમાં બોરિયા તળાવ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શકીલહુસૈન હબીબભાઈ પરમાર (રહે. કરોડિયા રોડ)ને પોલીસે 49 રીલ સાથે ઝડપી પાડી રૂ.9,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.