લુખ્ખા તત્વો બેફામ:વડોદરામાં મહિલાને ફોન પર ધમકી મળી, અજાણ્યા શખ્સે કહ્યું: 'વડા ગામનો સરપંચ બોલું છું, 10 મિનિટમાં તને ઉડાડી દઇશ'

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • મહિલાએ ફોન પર કહ્યું કે, પોલીસ ફરિયાદ કરીશ તો જવાબ મળ્યો કે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે
  • મહિલાની માતાના અમદાવાદના ઘરે અજાણ્યા ઇસમોએ પહોંચી કહ્યું દરવાજો ખોલો, ઘર જોવું છે
  • સમગ્ર મામલે મહિલાએ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરામાં મોડાસાના વડા ગામના સરપંચ તરીકેની ઓળખ આપી વડોદરાની મહિલા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા બાદ અમદાવાદ ખાતે તેની માતાના મકાનને જબરજસ્તીથી વેચાણથી ખરીદવા બે અજાણ્યા વ્યક્તિઓએ પરેશાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તને જાનથી મારી નાખીશ
વડોદરા શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી આરુની રેસિડેન્સીમાં રહેતા પ્રિયાબેન કર્માકરે ફરિયાદ નોંધાવી હતી કે, તેણીના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં વ્યક્તિએ જણાવ્યું હતું કે, 'હું, મોડાસાના વડા ગામનો સરપંચ બોલું છું' અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ફોન કટ કર્યો હતો. ત્યારબાદ મહિલાના સહકર્મીએ આ બાબતે ખાતરી કરવા ફરી ફોન કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, 'તારે કોનું કામ છે, તને 10 મિનિટમાં ઉડાવી દઈશ' મહિલાએ ફોન પર કહ્યું કે, 'પોલીસ ફરિયાદ કરીશ'. તો જવાબ મળ્યો કે, 'જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે, તને જાનથી મારી નાખીશ'. તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો.

હમણાં પોલીસને ફોન કરૂ છું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા માતાનો અમદાવાદથી ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે, આપણા ઘરે બે માણસો આવેલા અને દરવાજો ખોલવાની જીદ કરતા હતા. માતાએ પુછ્યું તો તેઓએ જણાવ્યું કે, તમારૂ મકાન વેચાણે લેવું છે. દરવાજો ખોલો અમારે તમારૂ ઘર જોવું છે. જેથી માતાએ કહ્યું કે, અમારે મકાન વેચવાનું નથી, તમને કોણે મોકલ્યા છે. તો સામેથી જવાબ આવ્યો કે, જેણે પણ મોકલ્યા હોય. તારે શું કામ છે. દરવાજો ખોલો તેમ કહેતા માતાએ દરવાજો ખોલવાની ના પાડી હતી. અને કહ્યું કે, હમણાં પોલીસને ફોન કરૂ છું. તેમ કહી મોબાઇલ હાથમાં લેવા જતા જ બંને જતા રહ્યા હતા.સમગ્ર મામલે પ્રિયા કર્માકરે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.