છરાથી હુમલાનાં LIVE દૃશ્યો:વડોદરામાં ખરીદી કરવા આવેલા શખસોએ સુપર સ્ટોરના માલિકના ગળા પર છરાથી ઘા માર્યા, બચાવવા આવેલો પુત્ર પણ ઇજાગ્રસ્ત

વડોદરાએક મહિનો પહેલા

વડોદરા શહેરના છાણી ટીપી-13ના એક સ્ટોરમાં ખરીદી કરવા આવેલા શખસોએ દુકાનદાર અને તેના પુત્ર પર છરાથી હુમલો કર્યાની ઘટનાના CCTV સામે આવ્યા છે. આ બનાવમાં દુકાનદારને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે તેના પુત્રને હાથે ઇજાઓ થઈ હતી.

યોગી સુપર સ્ટોરની ઘટના
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત 5 નવેમ્બરની સાંજે છાણી ટીપી-13માં મહર્ષિ કોમ્પ્લેક્સ યોગી સુપર સ્ટોરમાં દુકાનના માલિક રાજેશ સોલંકી હાજર હતા. આ દરમિયાન લક્ષ્મણસિંહ થાવરજી ગરાસિયા (રહે. ધનલક્ષ્મી એવન્યુ ગણપતિ ચોકડી પાસે, ટી.પી 13 છાણી જકાતનાકા) અને જયંતી રામજીભાઇ કોન્ટ્રાકટર (રહે. શિવશક્તિ એવન્યુ, ન્યૂ સમા રોડ) યોગી સુપર સ્ટોરમાં ખરીદી કરવા આવ્યા હતા.

હુમલામાં ઘાયલ રાજેશ સોલંકી.
હુમલામાં ઘાયલ રાજેશ સોલંકી.

શખસે છુપાવી રાખેલા છરાથી ઘા ઝીંક્યા દરમિયાન દુકાનમાં કોઈ ચીજવસ્તુ ખરીદવા બાબતે દુકાનદાર રાજેશ સોલંકીને લક્ષ્મણસિંહ અને જયંતીભાઇએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. લક્ષ્મણસિંહ રાજેશ સોલંકી પર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પહેરેલા પેન્ટના કમરના ભાગેથી ધારદાર તીક્ષ્ણ અણીવાળો લોખંડનો છરો કાઢી રાજેશ સોલંકીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે ડાબી બાજુ જીવલેણ ઘા માર્યા હતા.

ઇજાગ્રસ્ત મયંક સોલંકી.
ઇજાગ્રસ્ત મયંક સોલંકી.

બચાવવા આવેલો પુત્ર ઘાયલ
આ વખતે રાજેશ સોલંકીનો પુત્ર મયંક સોલંકી પિતાની બૂમો સાંભળી દોડી આવ્યો હતો, જેથી લક્ષ્મણસિંહે છરા વડે તેને પણ માથામાં પાછળના ભાગે ડાબી બાજુ તથા ડાબા હાથની છેલ્લેથી બીજી આંગળી પર ઘા માર્યા હતા, જ્યારે જયંતીભાઇએ મયંક સોલંકી તથા રાજેશ સોલંકીને ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હુમલો કરનાર લક્ષ્મણસિંહ ગરાસિયાની ધરપકડ.
હુમલો કરનાર લક્ષ્મણસિંહ ગરાસિયાની ધરપકડ.

પોલીસે બંને આરોપીને ઝડપી લીધા
છરાથી હુમલાની ઘટના અંગે ફતેગજ પોલીસે લક્ષ્મસિંહ ગરાસિયા અને જયંતીભાઇ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે. હુમલાની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં ધારદાર છરાથી દુકાનદાર અને તેના પુત્ર પર જીવલેણ હુમલો થતો નજરે પડે છે.

દુકાનદાર અને તેના પુત્ર પર છરાથી હુમલો કર્યાની ઘટનાના CCTV સામે આવ્યા છે.
દુકાનદાર અને તેના પુત્ર પર છરાથી હુમલો કર્યાની ઘટનાના CCTV સામે આવ્યા છે.

અગાઉ આઇસક્રીમ પાર્લર સંચાલક પર હુમલો થયો હતો
6 મહિના પહેલાં જ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આઇસક્રીમ પાર્લર સંચાલકને માર મારવા તેમજ તોડફોડ કરવા મામલે ચાર શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ન્યૂ સમા રોડ પર આવેલા શ્રીજી ડુપ્લેક્સમાં રહેતા આકાશ ગજાનંદ ગોયલ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા વૃંદાવન હાઇટ્સ વેન્યુ ટાવર્સમાં આઇસક્રીમ પાર્લર ચલાવે છે. તેઓ તા. 13 મેના રોજ રાત્રે સાડાદસ આસપાસ દુકાન પર વેપાર કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આવ્યા હતા અને કોલ્ડડ્રિંક્સ લીધી હતી, જે પૈકી એક વ્યક્તિએ અપશબ્દો બોલી પૂછ્યું હતું કે આ કોલ્ડડ્રિંક્સની કિંમત કેટલી છે? જેથી દુકાનદાર આકાશ ગોયલે અપશબ્દો ન બોલવા કહ્યું હતું, જેથી આ લોકો પૈસા ચૂકવી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ આકાશભાઇએ તેમના મોટા ભાઇ મુકેશ ગોયલને કરી હતી, જેથી તેઓ પણ દુકાને આવી ગયા હતા.

દુકાનદારને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે.
દુકાનદારને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે.

બે ભાઈઓને માર માર્યો હતો
આ દરમિયાન રાત્રે 11 વાગ્યા આસપાસ ફરીવાર મેહુલ નારાયણભાઇ કહાર, નિલેશ કહાર, રૉકી પટેલ અને ચેતન કહાર દુકાને આવ્યા હતા અને બંને ભાઇઓને અપશબ્દો બોલવા લાગ્યા હતા તેમજ દુકાનમાં તોડફોડ કરી હતી, સાથે આ લોકોએ આકાશ અને મુકેશ ગોયલને ગડદાપાટુનો માર માર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી, જેના આધારે આકાશ ગોયલે ચાર શખસ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.