શહેર છે કે જંગલ?:વડોદરામાં રખડતા આખલાનો આધેડ પર હુમલો, લોકોએ માંડ માંડ બચાવ્યા, આધેડ લોહીલુહાણ

વડોદરાએક મહિનો પહેલા

વડોદરા શહેરના મધ્યમાંથી લઈ સીમાડા સુધી રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે. દિવાળીના તહેવારમાં પણ રખડતાં ઢોરને પગલે ઈજા થવાની ઘટનાઓ બની રહી છે. વડોદરા શહેરના બાજવા સરકારી દવાખાના પાસે રહેતા આધેડ ઉપર સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં લડતા બે આંખલા પૈકી એક આખલાએ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત બાબુભાઈ ચૌહાણના પુત્રે જણાવ્યા મુજબ તેમના પિતા નિવૃત્ત જીવન જીવે છે.

આધેડને માંડ માંડ બચાવ્યા
55 વર્ષની ઉંમરના બાબુભાઈ તેમને ત્યાં મહેમાન તરીકે આવેલા તેમના સ્વજનની સાથે બાઈક ઉપર પાછળ બેસીને નજીકમાં આવેલી છાણી તરફના રોડની ચાની લારીએ જતા હતા. દરમિયાન માર્ગમાં બે લડતા આખલાઓને જોઈને તેઓ બાઈક થોભાવી સાઈડ ઉપર ઊભા રહી ગયા હતા. દરમિયાન અચાનક એક તેમના ઉપર હુમલો કરી મોઢાના ભાગે અને ગાલ ઉપર બે પગથી વારંવાર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે સ્થાનિક દોડી આવ્યા હતા અને આધેડને માંડ માંડ આખલાથી બચાવ્યા હતા.

બે આખલાઓ પૈકી એક આખલાએ હુમલો કરતાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા
બે આખલાઓ પૈકી એક આખલાએ હુમલો કરતાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા

જ્યારે ઘટના જોઇ દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત બાબુભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક લોકો મુજબ, બાજવા ગામમાં ઢોરવાડા આવેલા નથી, પરંતુ શહેરના સીમાડે હોવાથી વોર્ડ નંબર 8 અને 9ના પશુપાલકો તેમનાં પશુઓ બાજવા વિસ્તારમાં મૂકી જતાં હોય છે, જેને પગલે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે.

વડોદરામાં રખડતા આખલાએ આધેડ પર હુમલો કર્યો હતો.
વડોદરામાં રખડતા આખલાએ આધેડ પર હુમલો કર્યો હતો.

રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવાની વાતો માત્ર કાગળ પર
સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

વડોદરા શહેરના મધ્યમાંથી લઈ સીમાડા સુધી રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે.
વડોદરા શહેરના મધ્યમાંથી લઈ સીમાડા સુધી રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે.

પાટીલે મેયરને કહ્યું હતું- મીટિંગો બંધ કરો અને કામ કરો
એક વર્ષ પહેલા પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન ત્યાં ઉપસ્થિત મેયર કેયુર રોકડિયાને જાહેર મંચથી ટકોર કરતાં કહ્યું હતું કે, મીટિંગો બંધ કરો અને કામ કરો. પાટીલે કહ્યું હતું કે, કેયુર રોકડિયા યુવાન હતા, તેથી મેયર બનાવ્યા છે. ત્યારે એમ લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે, પરંતુ હવે કેયુર રોકડિયા મીટિંગો બંધ કરો અને નિર્ણય કરો અને રખડતાં પશુ રોડ પર ન દેખાવા જોઈએ એવી કડક સૂચના આપી હતી. રખડતાં ઢોરોને પકડવામાં શરૂઆતમાં વેગવંતી કાર્યવાહી પછી ઢોર પાર્ટી ઢીલાશ રાખતી હોય એવી સ્થિતિ છે. વડોદરા શહેરમાં મેયર કેયૂર રોકડિયાનો રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવાનો દાવો પોકળ સાબિત થયો હતો. વડોદરામાં રખડતાં ઢોરોથી મુક્ત કરવાની મોટી જાહેરાતો વચ્ચે એક બાદ ઢોરોના હુમલાની ઘટનાઓ બની રહી હતી.

લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

10 મહિનામાં રખડતા ઢોરોના હુમલાની 164 ઘટનાઓ બની
વડોદરામાં છેલ્લા 10 મહિનામાં રખડતા ઢોરોના હુમલાની 164 ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં વડોદરામાં ગાયના હુમલામાં 18 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ ઉપરાંત 4 મહિના પહેલા સ્કૂટર પર જતાં 18 વર્ષના વિદ્યાર્થીએ ગાયના હુમલામાં પોતાની એક આંખ ગુમાવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટકોર બાદ વડોદરાના મેયરે રખડતા ઢોરોને 15 દિવસમાં જ પકડવાની જાહેરાત કરી હતી. તેમને આપેલા વાયદાને પણ વર્ષ થવા આવ્યું અને હવે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રખડતા ઢોરોને પકડવા માટેની ટકોર કરી હતી. આમ CM હોય કે પાટીલ હોય..કોઈની પણ ટકોર રખડતા ઢોરોને પકડવામાં અસરકારક સાબિત થઈ નથી.