કંપારી છોડાવી દેતી ઘટના:​​​​​​​વડોદરામાં ઘરમાં ઘોડિયામાં ઊંઘતી 5 મહિનાની બાળકીનું માથું ફાડી કૂતરું લોહી ચાટવા લાગ્યું, માતાએ ભારે જહેમતે બચાવી

વડોદરાએક મહિનો પહેલા
  • માતા પાણી ભરવા ગઈ અને પાંચ મિનિટમાં જ કૂતરાએ હુમલો કર્યો

શહેરના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. જોકે માતાની નજર પડતાં ભારે જહેમત બાદ તે પોતાની વહાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

માતા 5 મિનિટ માટે પાણી ભરવા ગઈ ને કૂતરાએ હુમલો કર્યો
વડોદરા શહેરમાં તરસાલી રોડ પર રખડતા ઢોરના કારણે માતા-પુત્રી ટૂ-વ્હીલર પરથી પટકાયાં અને લોહીલુહાણ થઇ ગયાં તથા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. ત્યાં હવે મોડી સાંજે સમતા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં રહેતા આશિષ ભરતભાઇ ટેલરે દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી પત્ની મારી 5 મહિનાની દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવીને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી, જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું.

માતાએ પાછા આવીને જોયું તો કૂતરું દીકરીનું લોહી ચાટતું હતું
આશિષભાઇએ જણાવ્યું હતું કે ઘરમાં આવી ગયેલા કૂતરાએ ઘોડિયામાં ઊંઘી રહેલી મારી માસૂમ દીકરી પર હુમલો કર્યો હતો અને તેનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરવા ગયેલી મારી પત્ની પાંચ મિનિટમાં તો પાછી આવી ગઇ હતી. ઘરમાં આવી તેણે જોયું તો એ ગભરાઇ જ ગઇ, કારણ કે કૂતરું મારી દીકરીનું લોહી ચાટી રહ્યું હતું. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડવાની કોશિશ કરી, પરંતુ કુતૂરું ત્યાંથી હટ્યું નહોતું. જેથી મારી પત્ની મારી દીકરીને તેડી ઘરમાંથી બહાર નીકળી ગઇ છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું.

5 મહિનાની બાળકીના માથે 15 ટાંકા આવ્યા
આશિષભાઇએ કહ્યું હતું કે પાંચ મહિનાની જાન્વીને અમે સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઇ આવ્યા છીએ, જ્યાં તેના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ જાન્વીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

મે મહિનામાં છોકરીનો અંગૂઠો કરડી ખાધો હતો - ફાઇલ તસવીર.
મે મહિનામાં છોકરીનો અંગૂઠો કરડી ખાધો હતો - ફાઇલ તસવીર.

ગત મે મહિનામાં વડોદરાના સુંદરપુરામાં કૂતરાએ બાળકીનો અંગૂઠો કરડી ખાધો હતો
નોંધનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં શેરી કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગૂઠાને કાપી ખાધો હતો. કૂતરાએ અંગૂઠો કાપી ખાતાં પરિવાર તરત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

વડોદરાના હરણી વિસ્તારમાં 5 લોકોને કૂતરા કરડ્યા
ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં વડોદરાના હરણી વિસ્તારમાં સવાદ ક્વાર્ટરમાં પાંચ લોકોને કૂતરા કરડ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં શેરી કૂતરાઓ લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...