શ્રીજીના વિદાયની તૈયારી:વડોદરામાં વિઘ્નહર્તા દુંદાળા દેવના વિસર્જન માટે 4 કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા, 2500 પોલીસ જવાનો તૈનાત રહેશે

વડોદરા20 દિવસ પહેલા
આનંદ ચૌદશના દિવસે વિદાય લેનાર શ્રીજીને ભાવભરી વિદાય આપવા માટે તંત્ર સજ્જ થઇ ગયું છે
  • પંડાલની શ્રીજીની 1290 મુર્તિનું વિસર્જન થશે

શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે મોંઘેરું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ આવતીકાલે વિદાય લેનાર છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન અને શહેર પોલીસ તંત્ર દ્વારા શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્વ સંધ્યાએ પૂર્ણ કરી દેવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજીના વિસર્જન માટે ચાર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

શ્રીજીના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા
શ્રીજીના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા

ફ્લડ લાઇટ તરાપાની સુવિધા
શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી વિવિધ સ્વરૂપે પાર્વતી નંદન શ્રીગણેશ મહેમાનગતિ માણવા માટે પધાર્યા હતા. છેલ્લા 9 દિવસથી શહેરીજનો દ્વારા અપાર ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક શ્રીજીની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે શ્રીજીને આવતા વર્ષે વહેલાં પધારવાના કોલ લઇને ભાવભરી વિદાય આપવા શહેરીજનો સજ્જ થઇ ગયા છે. તો બીજી બાજુ શહેર-જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવો ફરતે ફ્લડ લાઇટો અને તરાપાની સુવિધા કરી દેવામાં આવી છે. તો પોલીસ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવો ફરતે જરૂર પ્રમાણે ક્રેઇનો પણ ગોઠવી દેવામાં આવી છે.

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સોસાયટીમાં કુત્રિમ તળાવ તૈયાર કરાયું
ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સોસાયટીમાં કુત્રિમ તળાવ તૈયાર કરાયું

ક્રેઇનની વ્યવસ્થા
શ્રીજીનું ઝડપી અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા ગોરવા તળાવ ખાતે 6, નવલખી મેદાનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે 14, હરણી ખાતે 5, વાઘોડિયા રિંગ રોડ ઉપરના તળાવ ખાતે 4 ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. 9 ક્રેઇન રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત તરાપા અને તરવૈયાઓ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 પોલીસ મથક વિસ્તારમાં ક્રેઇન મૂકવામાં આવી છે. જ્યારે 17 ક્રેઇન રિઝર્વ રાખવામાં આવી છે. સાથે વડોદરા ફાયર બ્રિગેડના 500 જેટલા જવાનો શ્રીજીના વિસર્જનમાં જોડાશે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ

અભેદ્ય પોલીસ બંદોબસ્ત
શ્રીજીના વિસર્જન દરમિયાન કોઇ અપ્રિય ઘટનાઓ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 9 DCP, 28 ACP., 90 PI, 154 PSI, 2730 પોલીસ જવાનો, 2300 હોમગાર્ડ, 7 SRP કંપની, 1 ટૂકડી RAF, 1 કંપની CRPF અને 6 ટીમ QRTની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશાળ ક્રેઇનો દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે
વિશાળ ક્રેઇનો દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે

જિલ્લામાં પણ ચૂસ્ત બંદોબસ્ત
વડોદરા જિલ્લામાં પણ શ્રીજીની ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી છે. આવતીકાલે શ્રીજીના વિસર્જન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાલુકા મથકોના તળાવો તેમજ જિલ્લામાંથી પસાર થતી નદીઓના કિનારે પણ શ્રીજીના વિસર્જન માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આમ વડોદરા શહેર-જિલ્લામાં શ્રીજીના વિસર્જન માટે તંત્ર સજ્જ થવા સાથે શહેર-જિલ્લાવાસીઓ સજ્જ થઇ ગયા છે. શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. અને મોડી રાતથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે સાથે વિસર્જનના દિવસે ટ્રાફિક ડાયવર્ઝનનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...