તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સર્જરી:વડોદરામાં હૃદયમાંથી નીકળતી નળીઓ ઘસાતાં વાઢ કાપ વિના છાતીમાં કૃત્રિમ નલિકા મૂકી 2 દર્દીને નવજીવન બક્ષ્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં મહિને માંડ એક કેસ જોવા મળે છે, વડોદરામાં મહિનામાં બે કેસ નોંધાયા

જે વ્યક્તિઓમાં લોહીનું દબાણ વધુ હોય અને ડાયાબિટિસથી પિડાતા હોય તેવા લોકોની લોહીની નળીઓમાં લોહી ઝડપથી દબાણપૂર્વક ફરતું હોવાને લીધે જો હૃદયની આસપાસની નલિકાઓને ધસારો લાગે તો નલિકાનો તે ભાગ ફુલી જાય છે અને નબળો પડતો જાય છે. જો ધ્યાન ન અપાય તો વ્યક્તિનું અચાનક મહત્વની નલિકા ફાટવાથી મોત પણ થઇ શકે છે. વડોદરામાં જૂન-જુલાઇ દરમિયાન બે કેસ જોવા મળ્યાં છે અને બંનેમાં સર્જરી કરીને દર્દીને બચાવી લેવાયા છે.

વ્યક્તિમાં હૃદયથી આંતરડા, યકૃત સહિતના ભાગમાં શુદ્ધ લોહી લઇ જતી એઓરટા નામની નલિકા ધમની હોય છે. આ નલિકા સૌથી વિશાળ અને મજબૂત હોય છે પણ લોહીનું દબાણ વધુ હોય તેવા દર્દીઓમાં તેને સતત ધસારો પહોંચતા તે ફુલી જાય છે. આ સ્થિતિને મેડિકલની ભાષામાં એઓર્ટિક એન્યુરિઝમ કહે છે. આવી ઘસાઇ ગયેલી નલિકાની અંદરના ભાગમાં કૃત્રિમ નલિકા મૂકવામાં આવે છે. આ વિશે વાસ્ક્યુલર સર્જન ડો. વિજય ઠાકોર કહે છે કે, ‘ આ કૃત્રિમ નલિકાને જાંઘના અંદરની તરફના ગ્રોઇન નામે ઓળખાતા હિસ્સામાં કાપો મૂકીને દાખલ કરાય છે. જેને વિશેષ ટેક્નિકથી જ્યાં આ નલિકા ફીટ કરવાની હોય ત્યાં ગોઠવવામાં આવે છે.

દર્દીને પીઠમાં પણ દુ:ખાવો થાય છે
જો આ ધમનીને ધસારો પહોંચ્યો હોય તો દર્દીને પીઠમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે, દર્દીને સતત ખાંસી આવ્યાં કરે છે. કેટલાક કિસ્સામાં જડબા, ગરદનમાં પણ દુ:ખાવો થાય છે. ખોરાક ગળવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે.

કિડની, લીવર, આંતરડામાં પણ તકલીફ થઇ શકે
નલિકા ઘસાઇ જતાં ફાટી જાય તો તેની અસર કિડની, લિવર અને આંતરડા પર થાય છેે. ધુમ્રપાનની ટેવ, કોઇ ઇન્ફેકશન હોય, કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય અને બીપી હોય ત્યારે આ સ્થિતિ વકરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...