વડોદરાના આજવા રોડથી એક વ્યક્તિનો 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ આવ્યો હતો કે, એક યુવતીને તેના પરિવાર દ્વારા મારઝૂડ કરવામા આવી છે. જેથી મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રેસ્કયું ટીમ સયાજીગંજ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતીને પરિવાર દ્વારા હાથે પગે ગરમ તાવીથાના ડામ દીધા હતાં. જેથી તેઓને પ્રાથમિક સારવાર અપાવી સુરક્ષિત સ્થાનમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.
બંને જગ્યાએ સાસરીમાં ત્રાસ મળ્યો
મળતી માહિતિ મુજબ આ કેસમાં ત્રાહિત વ્યક્તિએ મદદ માગતા જણાવ્યું હતું કે તેમની દીકરીની બહેનપણી ઘરેથી ભાગીને આવી ગયા છે તો તેમના માતા પિતાને સોંપવાના છે. જેથી અભયમની ટીમ ત્યાં પહોંચી હતી. અભયમ ટીમને 20 વર્ષની પીડિત યુવતીએ જણાવ્યું કે તેના પહેલા લગ્ન કર્યા હતા ત્યાં તેને હેરાનગતિ હતી. તેથી છુંટાછેડા લીધા હતા. ત્યાર બાદ તેનું બીજુ લગ્ન એક મહિના પહેલાં કરવામા આવ્યું હતું. ત્યાં પણ સસરા અને પતિ હેરાન કરતા હતા. જેથી યુવતી પિયરની ગઇ હતી.
પરિવારે જ દીકરીને ડામ આપ્યા
જો કે પિયરમાં બધા યુવતી નો જ વાંક કાઢતા હતા. તેથી તે કંઈ બોલે કે બહાર નીકળે તો ધમકી આપતા કે તેના વાળ કાપી નાખશું કે કરંટ આપીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરીશું. સાથે જ સાસરીમાં પરત જવા દબાણ કરતા હતાં. તેથી તે ડરના માર્યા ઘરેથી ભાગી જવાની કોશિશ કરી તો પકડીને લાવીને તેને પગમાં ગરમ તબેઠાના દામ આપ્યા. જેથી તે ફરી ભાગે નહીં.
પરિવારે દીકરીને ઘરમાંથી પણ કાઢી મુકી
અભયમની ટીમે પરિણીતાના પરિવારને આ રીતે પોતાની દીકરી પર ત્રાસ ન આપવા સમજાવ્યો હતો. તેમજ બની શકે કે નવી સાસરીમાં પણ તેને ત્રાસ અપાતો હોય. પરતું તેના પરિવારે જણાવેલ કે તેમની દીકરીનો જ વાંક છે તેને સાસરીમાં પરત જવું હોય તો જ ઘરમાં આવવા દઈએ, નહી તો અમે તેને રાખવાના નથી. પરિવારે યુવતીની કોઈ જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેને સાસરીમાં ખુબ મારઝૂડ કરવામા આવે છે, જેથી પરત જવું નથી. આમ યુવતીને હાલ પૂરતા ઓ.એસ.સી.માં આશ્રય અપાવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.