આવાસ યોજના:ડ્રોના સવા વર્ષે 500થી વધુ લાભાર્થીએ નાણાં ન ભર્યાં, બીજી તરફ લાભાર્થીને કોલ કરવા પડ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50% થી વધુ લોકોએ 20% નાણાં ચૂકવ્યાં નથી

પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મેળવવા એ એક લોખંડના ચણા ચાવવા સમાન હોય છે ત્યારે નવા વર્ષમાં જેમને આવાસો લાગ્યાં છે તેવા 500થી વધુ લાભાર્થીઓએ હજી સુધી પૂરેપૂરાં નાણાં ચૂકવ્યાં નથી, તેવા લોકોને નાણાં ચૂકવવા માટે ફોન પર સૂચના આપવાનું શરૂ કરાયું છે. નવાઈની વાત તો એવી છે કે, સવા વર્ષ બાદ પણ 50%થી વધુ લોકોએ 20% નાણાં ચૂકવ્યાં નથી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઇડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી જેવી સ્કીમ મૂકવામાં આવે છે. જેની કિંમત 5.50 લાખથી લઈને 20.50 લાખ સુધીની હોય છે, પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી સવા વર્ષ સુધીના ડ્રોની સમીક્ષા કરતા ઘણાએ ડ્રો બાદ બાકીનાં નાણાં ચૂકવ્યાં નથી અથવા પૂરેપૂરાં નાણાં જેનાં બાકી છે તેવાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને પ્રાથમિક ધોરણે આવા 500થી વધુ લાભાર્થીઓ હોવાનું સપાટી પર આવ્યું છે.

ખાસ કરીને જેમણે હજુ નાણાં ભર્યાં નથી તેવા મોટાભાગના લાભાર્થીઓ હરણી, સયાજીપુરા અને ગોત્રીની સ્કીમના છે. આવા લોકોને ફાળવણી રદ થઈ જશે તેવી જાણ કરતા ફોન પાલિકા દ્વારા શરૂ કરાયા છે.

લોકોની કાકલૂદી : હાલ આર્થિક સ્થિતિ ડામાડોળ
સમય મર્યાદા વીતી ગયા બાદ પણ 500થી વધુ લોકોએ પાલિકાના નિયમ મુજબ નાણાં ચૂકવ્યાં નથી ત્યારે તેમને કરાયેલા ફોનમાં એવા જવાબ મળી રહ્યા છે કે નાણાં કેવી રીતે ભરવાં તેની અમને જાણ કરાઇ નથી, બેંકમાં લોન પ્રોસેસ ચાલે છ, લોકડાઉનના કારણે આર્થિક રીતે સ્થિતિ પડી ભાંગી છે તેવા કારણો સાથે લોકો કાકલૂદી કરી રહ્યા છે.

બાકી નાણાં હોય તેવા લોકોને એક તક મળશે
ઇડબ્લ્યુએસ લઈને એમઆઈજી સુધીની સ્કીમમાં 500થી વધુ મકાનો એવાં છે કે જેનાં નાણાં ભરપાઈ થવાના બાકી છે. તેમને એક તક મળે તે માટે ફોન કરવાનું શરૂ કર્યું છે.> નિલેશ પરમાર, કાર્યપાલક ઇજનેર

અન્ય સમાચારો પણ છે...