વડોદરા શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પિતાએ પોતાના પુત્રને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે, જોકે મોડી રાતે બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બંનેના મૃતદેહો અલગ-અલગ રૂમમાંથી મળ્યા
મૃતક પરેશના ભાઈ સંજય સીકલીગરે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ અને તેમના છોકરાના અલગ-અલગ રૂમમાંથી મૃતદેહો મળ્યા છે. પરેશભાઈના ખિસ્સામાં અંતિમ ચિઠ્ઠી મળી છે, જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે.
પત્નીના ત્રાસથી પતિનો આપઘાતઃએસીપી
એસીપી જી ડિવિઝન એમ.પી. ભોજાણીએ જણાવ્યું હતું કે, દંપતિના 10થી 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હતો. પરેશભાઈએ પ્રથમ ચાદરથી પુત્રને ગળે ફાંસો આપ્યો હતો અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પાડોશીઓને આ અંગે જાણ થતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ કરેલો હતો. પોલીસે આ રૂમને ખોલ્યો હતો. આ સમયે પિતા-પુત્ર લટકી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. દીકરાની ઉંમર 11થી 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે હતી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે હતી. તે પતિના ત્રાસ આપતી હતી. તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી છે. જેમાં પતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, મારી પત્નીના ત્રાસથી ગળે ફાંસો ખાઉં છું. આ ઘટનામાં પુત્રની હત્યા, પરેશભાઈની આત્મહત્યા અને પત્ની આશાબેન સામે દુષ્પ્રેરણાનો ગુનો લાગુ પડે છે.
પતિ અને પુત્રના મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા
હૃદય કંપાવી ઊઠે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, બાપોદ ગામ વુડાના મકાનમાં ચોથા માળે રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય પરેશ કનુભાઈ સીકલીગરની પત્ની આશાબેન ઘરકામ કરીને પોતાના એકના એક પુત્ર ચાર્મિસની સાથે પરિવારનો નિર્વાહ કરતાં હતાં. દરમિયાન શનિવારે આશાબેન ઘરકામ કરવા માટે બહાર ગયાં હતાં, જ્યાંથી દોઢ વાગે પરત ફર્યાં બાદ તેઓ ઘરે આવતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેમનો 11 વર્ષનો પુત્ર ચાર્મિસ અને પતિ પરેશના અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતા હતા.
મૃતકના ખિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી
ઘટના અંગે જાણ થતાં આજુબાજુના રહીશો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતક પરેશના પેન્ટના કિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પત્નીના ત્રાસને કારણે જીવાદોરી ટૂંકાવી નાખી હોવાનું અને તેની સાથે પોતાના પુત્રને પણ લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે બીજી તરફ મૃતકની બહેન મીનાક્ષી પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
પત્નીના ત્રાસથી પગલું ભરી રહ્યો છું
મૃતક પરેશ સીકલીગરે આપઘાત કરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠીમાં પોતાની બહેન મીનાક્ષીને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું. પોતે કરેલા અંતિમવાદી નિર્ણયને પગલે તેણે તેની પાછળ પોતાના પુત્રનું કોઈ ધ્યાન નહીં રાખે તેથી તેને પણ સાથે લઈ જઈ રહ્યાનો જણાવી બેનની માફી માગી હતી તેમજ બેન પાસેથી લીધેલા પૈસા પોતે પરત આપી શકે તેમ નથી તેવું જણાવી ફરી એક વખત માફી માગી હતી. પોલીસે બે પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી છે. આ સાથે પોતાના બે મિત્ર પાસેથી પણ 30000 રૂપિયા લીધા હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે, જેમને રિક્ષા વેચી પૈસા પાછા આપી દેવાનું જણાવવામા આવ્યું છે.
એક રૂમમાં પુત્રને ફાંસો આપી, બીજા રૂમમાં પોતે ફાંસો ખાધો
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાએ આત્મહત્યાની સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, પરેશે પોતે તેના 11 વર્ષના પુત્રને ઓઢણી વડે પંખા સાથે લટકાવી ગળાફાંસો આપ્યા બાદ બીજા રૂમમાં જઈ પોતે પણ ઓઢણી વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી જેમાં બન્નેનાં મોત નીપજ્યાં હતાં.
આજે પોસ્ટમોર્ટમ થયુ
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરતા મૃતદેહ ગઇકાલે સાંજે 5:00 વાગ્યા પછી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતા આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.