બેઠકમાં મિસમેનેજમેન્ટ:વિજયના મુહૂર્તમાં કેયુર રોકડિયાના ડમી ઉમેદવારનું ફોર્મ જ ના ભરાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મેનેજમેન્ટમાં માહેર ભાજપે 5માંથી 4 બેઠકો ઉપર ડમીનાં ફોર્મ ભરાવ્યાં, સયાજીગંજ બેઠકમાં મિસમેનેજમેન્ટ
  • ડમી ઉમેદવાર 2 કલાક ના ફરક્યો, ભાજપ પ્રમુખે કહ્યું, ટ્રાફિકમાં ફસાતાં ચૂકી ગયા
  • ​​​​​​​ડમી ઉમેદવાર 3 વાગ્યા સુધી ન પહોંચ્યો તો સંગઠને બોલાવવાની તસ્દી પણ ના લીધી

દેશની નંબર વન પાર્ટી હોવાનો દાવો કરતી શિસ્ત, મેનજમેન્ટમાં માહેર ગણાવતી ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઇ છે. જોકે શહેરની 5 વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર સયાજીગંજ બેઠક પર ભાજપના કેયુર રોકડીયાના ડમીનું ફોર્મ ભરવામાં આવ્યું નથી.

જેની પાછળ સત્તા-સંગઠનની લડાઇ, વૈષ્ણવ સમાજની ટીકીટનો ઝગડો કે જાણીને કરેલું ષડયંત્ર છે? તે વિશે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે. મેયર કેયુર રોકડીયાને સયાજીગંજની ટીકીટ અપાઇ છે ત્યારે વિજય મુહૂર્તમાં ડમી ઉમેદવારનું ફોર્મ નહિ ભરાતા ભાજપમાં ચાલતી જૂથબંધીની ચરમસીમા બહાર આવી છે.

ગુરુવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપમાંથી અકોટા, માંજલપુર તથા સયાજીગંજ વિધાનસભાની બેઠકના ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં 5 વિધાનસભા બેઠક પૈકી માત્ર સયાજીગંજ વિધાનસભાના ઉમેદવાર કેયુર રોકડીયાના ડમી ઉમેદવારનું ફોર્મ ભરાયું નથી. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કાઉન્સીલર બિપીન પટેલને ફોર્મ ભરવાનું હતું.

જેની જાણ તેમને એક દિવસ પહેલા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઉમેદવારી નોંધાવવાના દિવસે તેઓ સમયસર હાજર રહ્યા ના હતા. કેયુર રોકડીયાએ 12.54 વાગ્યે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે તેના 2 કલાક બાદ પણ ડમી ઉમેદવાર ફોર્મ ભરવા આવી શકયા ના હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખે તેઓ ટ્રાફીક હોવાથી 2-3 મીનીટ લેટ થતા ડમી ફોર્મ ભરાયું ના હતું તેમ કહ્યું હતું. ભાજપમાં જ ચર્ચા છે કે, જાણી જોઇને કરાયેલી? કે માનવીય ભૂલ થઇ છે?

  • ટ્રાફિક હોવાના કારણે 2-3 મિનિટ લેટ થતાં ડમી ફોર્મ ભરાયું ન હતું. - ડો.વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ
  • મારા ધ્યાનમાં આવ્યું છે કે ફોર્મ નથી ભરાયું. બધી વ્યવસ્થા પાર્ટી જોતી હોય છે. - કેયુર રોકડિયા, સયાજીગંજના ઉમેદવાર

ડમી ઉમેદવાર િબપીન પટેલ શું કહે છે... સવાલ પૂછતાં હેલો-હેલો, ઉહું ઉહું કહી ખાંસી ખાઇ અવાજ નથી આવતો કહીને ફોન મૂકી દીધો
કેયુર રોકડીયાના ડમી ઉમેદવાર પૂર્વ કાઉન્સીલર બિપીન પટેલને ફોન કરી અમે કહ્યું કે દિવ્ય ભાસ્કરમાંથી બોલીએ છીએ ત્યારે તેમણે હા બોલો કહ્યું હતું. અમે સવાલ કર્યો કે, કેયુર રોકડીયાના ડમી ઉમેદવાર તરીકે તમે ફોર્મ ભરવાના હતા? સવાલ પુરો થતાં જ તેમણે હેલો-હેલો અવાજ સંભળાતો નથી, કહીને 3 વાર ઉહું ઉહું ખાંસી ખાઇને કહ્યું કે હું તમને સામેથી ફોન કરું છું, પણ તેમણે પાછો ફોન કર્યો ના હતો.

ભાજપમાંથી બીજી 4 બેઠક પર કોણે ડમી ફોર્મ ભર્યાં

  • અકોટા : ચૈતન્ય દેસાઇ (ઉમેદવાર) સદાનંદ દેસાઇ (ડમી)
  • રાવપુરા : બાળુ શુકલ (ઉમેદવાર) મનોજ પટેલ (ડમી)
  • શહેર વાડી : મનીષા વકીલ (ઉમેદવાર) જીવરાજ ચોહાણ (ડમી)
  • માંજલપુર : યોગેશે પટેલ (ઉમેદવાર) નિલેશ રાઠોડ (ડમી)

2015ની પાલિકાની ચૂંટણીમાં ડમી ઉમેદવાર ના હોવાથી ભરત ડાંગર બિનહરીફ થઇ મેયર બન્યા
2015માં ભાજપના જ કોર્પોરેટ રહી ચૂકેલા પ્રફુલ્લગીરી ગોસ્વામીને વોર્ડ નંબર 12માંથી કોંગ્રેસમાંથી ઓબીસી બેઠક પરથી ટીકીટ અપાઇ હતી. જેની સામે ભાજપના તાત્કાલીન શહેર પ્રમુખ ભરત ડાંગરે ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પ્રફુલ્લગીરીએ તેમનું ફોર્મ પરત ખેંચી લેતાં ભરત ડાંગર બિનહરીફ વિજેતા થયા હતા. આ સમગ્ર ઘટના પ્લાન સાથેની હતી. પ્રફુલ્લગીરી ગોસ્વામીના ડમી ઉમેદવાર તરીકે કોઇનું ફોર્મ ભરાવાયું ન હતું.

ડમી ફોર્મ ન ભરાય અને મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થાય તો તે પક્ષ સ્પર્ધામાંથી બહાર થઇ જાય છે
કોઇ પણ જ્યારે ઉમેદવારના નામનો મેન્ડેટ અાપે ત્યારે મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવારના નામ સાથેનો જ મેન્ટેડ અાપતી હોય છે. રાજકીય પાર્ટીઓ તેમના બન્ને ઉમેદવારના ફોર્મ ભરાવે છે કારણકે જો મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તો ડમી ઉમેદવાર અાપો આપ પાર્ટીનો ઉમેદવાર બની જાય છે. એટલે ડમી ઉમેદવારનું ફોર્મ ભરાય તે જરૂરી હોય છે. જો ડમી ફોર્મ ભરાયું ન હોય અને મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થાય તો તે પાર્ટી સ્પર્ધામાંથી બહાર નીકળી જાય. - કમલ પંડ્યા, ધારાશાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...