ઉથલપાથલ:બદલાતા રાજકીય પ્રવાહની વચ્ચે કાર્યકરો મૂંઝાયા,કોની સાથે રહેવું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરોને પાટલી બદલવી પડે તેવી સ્થિતિ
  • મેયર કેયૂર રોકડિયાએ નવા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે ગુરુવારે નક્કી થઈ જશે પણ ત્યાં સુધી કયા ધારાસભ્ય સાથે રહેવું અને કયા ધારાસભ્ય સાથે છેડો ફાડવો તેમાં ભાજપના કેટલાક કાર્યકરો અટવાઈ પડ્યા છે.

મુખ્યમંત્રી બદલાતાં જ નવાં સમીકરણો મૂકાયાં છે, તેના કારણે વડોદરાના 5 ધારાસભ્યો પૈકી મંત્રી રહી ચૂકેલા યોગેશ પટેલની રિપીટ કરવાની શક્યતા નહિવત્ જોવાય છે. જેના કારણે માંજલપુર મતવિસ્તારમાં ગણેશ દર્શનાર્થે જતા યોગેશ પટેલની સાથે કેટલાક કાર્યકરો અને કેટલાક કોર્પોરેટરોએ અત્યારથી જ અંતર રાખવાનું શરૂ કર્યું હોવાનું ભાજપ મોરચે ચર્ચાઈ રહ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે તેવું જોવામાં આવી રહ્યું છે તો આનંદીબેન પટેલ જૂથનાં મનિષા વકીલનું નામ પણ ચર્ચામાં છે.

આ 2 નામોની શક્યતા વચ્ચે અન્ય ધારાસભ્યો સાથે જોડાયેલા કાર્યકરોને હવે તેમના રાજકીય ભવિષ્ય માટે પાટલી બદલવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. તમામ ધારાસભ્યોને બુધવાર સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા કહેવાયું છે. બીજી તરફ મંગળવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મેયર કેયુર રોકડિયા, પાલિકાના નેતા અલ્પેશ લીમ્બાચિયાએ શેભેચ્છા મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...