વડોદરા શહેર-જિલ્લામાં એકાએક કોરોનાના કેસોમાં વધારો થયો છે. નવા કેસો દરમિયાન સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા અને કોરોનાના લક્ષણ ધરાવતા વૃદ્ધનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું હતુ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 8 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,229 પર પહોંચી ગઇ છે. વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,425 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
કોરોનાના લક્ષણ ધરાવતાં અને શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતા 92 વર્ષના વૃદ્ધને કોરોનાના કારણે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તે બાદ આજે બપોરે આ વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના કારણે આજે એક વૃદ્ધનુ મોત નિપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 47 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 32 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં સમા, ગોરવા, અકોટા, ઉંડેરા, દિવાળીપુરા, બાપોદ, ગોત્રી અને ચાણોદમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 1 પશ્ચિમ ઝોનમાં 5 ઉત્તર ઝોનમાં 1, ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.