વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા બગીચામાં ભુવો પડ્યા બાદ સમારકામ હાથ ન ધરાતા સામાજિક કાર્યકરે અધિકારીઓ અને પદાધિકારીઓ સામે નારાજગી દર્શાવી છે અને લોકોના જીવ સાથે ચેડાં ન કરવા તાકિદ કરી છે.
વડોદરા શહેરમાં માર્ગ ઉપર ભુવા પડવાની ઘટનાથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ, આજે શહેરના બગીચામાં ભુવો પડતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગર સોસાયટી પાસે કોર્પોરેશન હસ્તક બગીચામાં અંદાજે ત્રણ ફૂટ પહોળાઈ અને 10 ફૂટ ઊંડાઈ ધરાવતા ભુવો પડ્યો છે. આ અંગે સામાજિક કાર્યકર ગૌરાંગ સુતરીયાએ સ્થાનિક કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, વડાપ્રધાનના આયોજનમાં શિડ્યુલ વ્યસ્ત હોવાનું જણાવી થોડો સમય લાગશે તેવો જવાબ મળ્યો હતો.
છેલ્લા 4 દિવસથી બગીચામાં ભુવો સહેલાણીઓ સામે ભયનું જોખમ ઊભું કરી રહ્યો છે. જેથી વહેલી તકે સમારકામ થાય તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બગીચામાં આસપાસના લોકો મોટી સંખ્યામાં યોગા, વોકિંગ, કસરત સહિતની પ્રવૃત્તિઓ માટે આવતા હોય છે. કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન અહીં ઉદભવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.