તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:કોરોનાની શહેરમાં પહેલી સદી-102 નવા કેસ, કુલ આંક 5,000ને પાર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિવૃત્ત શિક્ષક, નેશનલ ટેક્સ્ટાઇલના નિવૃત્ત કર્મચારી સહિત 12નાં મોત

મંગળવારે શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણથી એક જ દિવસમાં 102 નવા નવા સંક્રમિતો ઉમેરાતા કોરોનાએ એક દિવસમાં સદી વટાવી છે. કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી 137માં દિવસે આટલા બધા કેસો એક સાથે નોંધાયા છે. આ સાથે શહેરમાં પોઝિટિવ કેસોનો આંક 5000ને પાર નોંધાઇને 5,047 પર અટક્યો હતો. જ્યારે કોરોનામાં બીન સત્તાવાર મોતની સંખ્યા 366 પર તથા સત્તાવાર મોત 96 થઇ ચૂક્યાં છે. આજે શહેરના નિઝામપુરાના નિવૃત્ત શિક્ષક, ઓપી રોડ પર રહેતા ખેડૂત અને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીના મોત નિપજ્યાં છે. શહેરમાં 7 શહેરીજનો સહિત કુલ 12 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા.

વધુ 132 દર્દીને ડિસ્ચાર્જ અપાતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,910 થઇ
શહેરમાં માંજલપુરની સુંદરમ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાનું ગોરવાની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે ગોત્રીની સારાભાઇ સોસાયટીમાં રહેતા 80 વર્ષીય અને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી, અને નિઝામપુરામાં રહેતા 68 વર્ષીય તથા સોખડાની સરકારી શાળા ના નિવૃત્ત શિક્ષકના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. ઓપી રોડની મનિષા સોસાયટીમાં રહેતા ખેડૂત પણ છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત જીવન ગુજારતા 65 વર્ષીય વૃદ્ધનું પણ કોરોનામાં મરણ થયાં હતા. માંજલપુરની સુંદરમ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા, કલ્યાણ પ્રાસાદ મંદિર પાસેના કરોળિયા પોળમાં લોટવાળાના ખાંચામાં રહેતા 68 વર્ષીયવૃદ્ધનું તથા કારેલીબાગની એક મહિલાનું શંકાસ્પદ કોરોનામાં અને માંજલપુર નાકા વિસ્તારમાં રહેતા એક 81 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. આ ઉપરાંત કરજણના ડેરોલી ગામના 32 વર્ષીય યુવાન જે બરોડા ડેરીમાં નોકરી કરતો હતો. તેનું પણ મોત નિપજ્યું હતું. મંગળવારે 132 દર્દીને ડિસ્ચાર્જ અપાતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,910 થઇ છે.

છેલ્લા 11 દિવસમાં 1000 કેસ ઉમેરાયા
1લો કેસ20મી માર્ચ1લો દિવસ
1000મો કેસ30મી મે71 દિવસ
2000મો કેસ25મી જૂન26 દિવસ
3000મો કેસ12મી જુલાઇ17 દિવસ
4000મો કેસ24મી જુલાઇ12 દિવસ
5000મો કેસ4 ઓગસ્ટ11 દિવસ

કુબેર ભવનની જીએસટી કચેરીમાં 6 પોઝિટિવ કેસ
શહેરના કુબેર ભવન ખાતે આવેલી જીએસટી કચેરીમાં એક પછી એક એમ કરીને પાંચ અલગ - અલગ ઘટક તથા વર્તુળ અને વિભાગ 5 મળીને છ જેટલા અધિકારી-કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે કામ કરતા કર્મચારી અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કુબેર ભવનમાં આવેલી જીએસટી કચેરી ઓછા સ્ટાફ સાથે ચલાવવામાં આવી રહી છે. એક પછી એક કોરોના પોઝિટિવ કેસો સામે આવતા મંગળવારે વીએમસી ની ટીમે ઓફિસને સેનેટાઈઝ કરી હતી. મંગળવારે વધુ એક અધિકારીને લક્ષણો જણાતા તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કોરોનાની ઝપેટમાં
વડોદરા.પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કોરોનાની ચપેટમાં આવી જતા તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. શહેરીજનોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવા આરોગ્ય સમિતિના અધ્યક્ષ જ પોતે જ નીકળી પડ્યા હતા. શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ચાલી રહેલા ધનવંતરી રસનું પણ મોનિટરિંગ ડો. રાજેશ શાહ કરી રહ્યા છે અને બે દિવસ પૂર્વે તેમને ઝીણો તાવ અને શરદી થઇ હતી. તેમનો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘોડિયા રોડની હોસ્પિટલમાં દાખલ થવાનું મુનાસીબ માન્યું હતું. ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે રિપોર્ટ માઇલ્ડ પોઝિટિવ આવ્યો છે.2 દિવસમાં જ ઘરે પરત ફરીશ.

વીજ કંપનીના કર્મચારી આગેવાન કોરોનાગ્રસ્ત
વીજ કંપનીના ટેક્નિકલ કર્મચારીઓ કોરોનાની ગંભીર સ્થિતિમાં પણ કામગીરી કરી રહ્યા છે અને આ કર્મચારીઓને વીજ કંપની તરફથી કવચ મળે તે માટે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ લડત આપી રહ્યું છે. આ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજુ ખત્રીની પણ બે દિવસથી તબિયત સારી ન હતી અને તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં મોટા ફોફળિયા ખાતે પોતાના ઘરે હાલમાં હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે.

મહિલા કર્મીને કોરોના, ખંડેરાવ માર્કેટનું રસી કેન્દ્ર બંધ
મહિલા કર્મીને કોરોના, ખંડેરાવ માર્કેટનું રસી કેન્દ્ર બંધ

પાલિકાની વડી કચેરીમાં નાના બાળકોને રસી આપતા રસી કેન્દ્રના એક મહિલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે કેન્દ્રને સીલ મારી દેવાની ફરજ પડી છે. એટલું જ નહીં આ જ કચેરીની સામે આવેલી હડકવા વિરોધી રસી આપતા વિભાગને પણ તાળા મારી દેવામાં આવ્યા છે. પાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી આપવામાં આવે છે અને આવા જ પ્રકારની રસી પાલિકાની વડી કચેરીના સ્થળોએ આવેલા કેન્દ્રમાં પણ આપવામાં આવે છે. આ કેન્દ્રમાં દરરોજ સામાન્ય દિવસોમાં 20 જેટલા બાળકોને રસી આપવામાં આવતી હોય છે. મહિલા કર્મચારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કચેરીને બંધ કરી દેવાની ફરજ પડી છે એટલું જ નહીં આ કચેરી પાસે આવેલી હડકવા વિરોધી રસી વાળા ભાગને પણ બંધ કરાયું છે. જેથી આ કચેરીમાં એક અઠવાડિયા સુધી હવે રસી મળશે નહીં અને તેને લગતું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...