ક્રાઇમ:સનફાર્મા રોડના ચોરી કેસમાં પોલીસે હરિદ્વારમાં ટુરિસ્ટ બનીને 2ને પકડ્યા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રિષીલ એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીમાં યુપીની ગેંગના બે આરોપી ઝડપાયા - Divya Bhaskar
ક્રિષીલ એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીમાં યુપીની ગેંગના બે આરોપી ઝડપાયા
  • ક્રિષીલ એપાર્ટમેન્ટમાંથી 2.85 લાખની મતાની ચોરી થઈ હતી

સનફાર્મા રોડના ક્રિષીલ એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ ચોરીમાં ક્રાઈમ બ્રાંચે હરિદ્વારથી 2ની ધરપકડ કરી છે. યુપીની ગેંગના બે આરોપીએ ઈકોસ્પોર્ટસ કારમાં વડોદરા આવી ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે હરિદ્વારમાં ટુરીસ્ટ બનીને બંનેને ઝડપી લીધા હતા. પીઆઈ વી.બી.આલે જણાવ્યું કે, 2 જૂને સવારે 10થી સાંજના 5.30 વાગ્યામાં સનફાર્મા રોડ પરના ક્રિષીલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાંથી તસ્કરોએ રૂા.2.85 લાખની મત્તા ચોરી હતી. જે મામલે જે.પી.રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરી ઘરફોડ ચોરીમાં યુપીની ગેંગનો હાથ હોવાનું શોધ્યું હતું. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે યુપીના 4 વ્યક્તિઓ અંકિત કિરણપાલ સીંગ, સુકાન્ત મહેન્દ્ર અત્રિ, વસીમ શરીફ અને રાકેશ પ્રકાશસિંગ ચૌધરીની ગેંગની આ ચોરીમાં સંડોવણી છે. જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ યુપી પહોંચી હતી. ચોરો હરિદ્વાર ગયા હોવાનું જાણવા મળતા ટીમ હરિદ્વાર પહોચી હતી.

ટીમે ટુરીસ્ટ તરીકે ફરી હરિદ્વારમાં ગેંગના બે આરોપી અંકિત કિરણપાલ સીંગ (રહે-હરીદ્વાર) અને રૂપસિંગ દરીયાવસિંગ જાટ (તેવટીયા) (રહે,યુપી)ને ઝડપ્યા હતાં. પૂછપરછમાં આરોપીઓ ઈકો સ્પોર્ટસમાં વડોદરા આવી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યુ હતું. પોલીસે મહંમદ મોબીન સૈફી ઉર્ફે વસીમ મહંમદ સાબીર (રહે, યુપી) અને રાકેશ પ્રકાશસીંગ ચોધરી (રહે, યુપી)ને વોન્ટેડ જાહેર કરી આરોપી પાસેથી 5 મોબાઈલ, 11 કંપનીના સીમકાર્ડ, લેપટોપ, રોકડા રૂા.58,760, કાર મળી રૂા.5.89 લાખની મત્તા ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...