હેલ્પ લાઈને ભારે પ્રતિસાદ:દારૂના કેસમાં ભ્રષ્ટાચાર રોકવાની હેલ્પ લાઇન પર રોજ 70થી વધુ કોલ આવતાં બીજો નંબર શરૂ કરવો પડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા બાદ હવે રાજકોટ, સુરત અને અમદાવાદમાં પણ હેલ્પલાઇન શરૂ થશે

રાજ્યને દારૂબંધીથી મુક્ત કરાવવા લાંબા સમયથી માગ કરી હાઈકોર્ટમાં લડી રહેલા અને માત્ર ગુજરાતમાં જન્મ લીધો હોવાથી ભેદભાવનો ભોગ બનેલા લોકો માટે લડતા વડોદરાના ગ્રૂપે દારૂ અંગે પોલીસના ભ્રષ્ટાચાર સામે શરૂ કરેલી હેલ્પ લાઈને ભારે પ્રતિસાદ મળતાં હવે બીજો નંબર શરૂ કર્યો છે. હેલ્પ લાઇન પર રોજ 70થી વધુ ફરિયાદો આવે છે. રાજ્યભરમાં 50000 ઉપરાંત સભ્યો ધરાવતું પ્રોહિબિશન ફ્રી ગુજરાત ગ્રૂપ વડોદરા બાદ રાજકોટ અને સુરત ખાતે હેલ્પ લાઈન ચાલુ કર્યા બાદ અમદાવાદ ખાતે પણ હેલ્પ લાઇન શરૂ કરશે.

ધારણમાં અભિવ્યક્તિ અને પસંદ-નાપસંદની આઝાદી હોવા છતાં ગુજરાતમાં દારૂબંધી થોપી ગુજરાતીઓના હક્કો છીનવી લેવાયા હોવાનું માનતા ગ્રૂપના સ્થાપક રાજીવ પટેલે જણાવ્યું હતું કે, દારૂબંધી હટાવવાની અમારી લડાઈ તો ચાલુ જ રહેશે, પરંતુ હાલના સંજોગોમાં દારૂ પીધેલા કે મહેફિલ માણતા પકડાયેલા પાસેથી સામાન્ય ગુનો હોવા છતાં પોલીસ લાંચ સ્વરૂપે મોટી રકમ પડાવી લેતી હોવાની ફરિયાદો વધી હતી.

જેના કારણે ગ્રૂપના સભ્ય હોય કે ના હોય એવા લોકોને અમે કાનૂની સહાય પૂરી પાડવા માટે હેલ્પ લાઈન શરૂ કરી હતી. પોલીસના દેખીતા ભ્રષ્ટાચારને ડામવા અને રાજ્યના લોકોને ખુલ્લી લૂંટથી બચાવવા શરૂ કરાયેલી પ્રાયોગિક હેલ્પ લાઈન નંબર 98983 33311 ઉપર રાજ્યભરમાંથી સંખ્યાબંધ ફોન કોલ્સ આવી રહ્યા છે. જેને પગલે એક નંબર પરની બધી ફરિયાદોને સાંભળી તેનો ઉકેલ લાવવાનું મુશ્કેલ બનતાં હવે બીજો હેલ્પ લાઈન નંબર 9428688888 નંબર શરૂ કરી અમે વધારેમાં વધારે લોકોને મદદ કરવાનું આયોજન કર્યું છે.

રાજીવે ઉમેર્યું કે, આ માટે અમે વોલિયેન્ટર ઉપરાંત વકીલોની ટીમ તૈયાર કરી છે. પોલીસના ભ્રષ્ટાચારની સૌથી વધારે ફરિયાદો સૌરાષ્ટ્રથી આવતાં રાજકોટ ખાતે અને દક્ષિણ ગુજરાતના સુરત ખાતે સ્થાનિક લોકોને સાથે રાખી હેલ્પ લાઈન શરૂ કરીશું. કોઈની પણ પાસે પોલીસ દારૂ અંગેનો કેસ નહિ કરવા બદલ લાંચ માગે તો અમારા હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક જાણ કરી શકે છે, અમે કાયદાકીય બધી જ મદદ પૂરી પાડીશું. અમારો ધ્યેય રાજ્યમાં દારૂના નામે થતા ભ્રષ્ટાચારને હટાવવાનું અને માત્ર ગુજરાતવાસી હોવાથી થતા ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનું છે. એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...