ભક્તો નારાજ:વિઠ્ઠલનાથજીના 212મા વરઘોડામાં 15 લોકોને છૂટ,પાલખી ટેમ્પોમાં લઇ જવાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરઘોડામાં બેન્ડ કે ભજન મંડળીને સામેલ થવા મંજૂરી ન અપાઈ
  • ​​​​​​​રૂટ યથાવત્ રખાયો​​​​​​​, ટેમ્પો ઓછી સ્પીડે ચલાવાશે જેથી ભક્તો દૂરથી દર્શન કરી શકશે

15મીએ દેવઊઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીના 212મા વરઘોડામાં માત્ર 15 વ્યક્તિને જ છૂટ અને પાલખીને આઈશરમાં મૂકી યાત્રા કાઢવાની તંત્રે મંજૂરી આપતાં ભક્તો નારાજ થયા છે. એક તરફ સ્નેહ સંમેલનને નામે સરકાર હજારોની સંખ્યામાં કાર્યકરો ભેગા કરે છે અને ગાઈડલાઈન ભગવાનના વરઘોડામાં લાગુ કરાતી હોવાનો કચવાટ રહ્યો હતો. રવિવારે ગિરનાર ખાતે લીલી પરિક્રમા કરવા હજારો લોકોએ ભેગા થઈને સરકારી નીતિનો વિરોધ કર્યો હતો.

વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરીઓમ ગાંધીએ જણાવ્યું હતું કે, સોમવારના રોજ સવારે 9 વાગે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની આરતી કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજીને સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસાડી વરઘોડાનો પ્રારંભ કરવામાં આવશે. પોલીસ તંત્રની સૂચના અને કોવિડ ગાઈડલાઈન મુજબ ચાલુ વર્ષે માત્ર 15 લોકોને જ વરઘોડામાં સામેલ થવાની પરમિશન મળી છે. ઉપરાંત ભગવાનની પાલખીને આઈશર ટેમ્પામાં બેસાડીને લીલુવાડીમાં સ્થિત શ્રી ગહીનાબાઈ મહાદેવ ખાતે લઈ જવાશે. આ વરઘોડામાં બેન્ડ કે ભજન મંડળીને પણ સામેલ થવાની પરવાનગી આપવામાં આવી નથી.

વરઘોડાનો રૂટ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રૂટ પર પાલખી મુકાયેલો ટેમ્પો ઓછી સ્પીડે ચલાવાશે જેથી ભક્તો દૂરથી જ ભગવાનના દર્શન કરી શકશે. સોમવારે સવારે 3 વાગે મંદિરમાં મંગળા આરતી, સવારે 7 વાગે શૃંગાર આરતી, સવારે 8 વાગે રાજભોગ આરતી, સવારે 9 વાગે વરઘોડાની આરતી યોજાશે.ત્યાર બાદ રાતે 9:30 વાગે શયન આરતી યોજાશે. મંદિરમાં રાતે 10 થી 12 વાગ્યા વચ્ચે શાસ્ત્રોક્ત વિધી મુજબ તુલસી લગ્ન યોજાશે. જેમાં ભક્તો ઉપસ્થિત રહી શકશે.

ગોવર્ધનનાથજી હવેલીમાં તુલસી વિવાહના દર્શન
અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીમાં 15 નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન કરાયું છે. જ્યાં સવારે 7:30 થી 8 વાગે મંગળા, 9:45 થી 10:15 વાગે મંડપના દર્શન, 10:30 થી 10:35 મંડપ આરતી, 11:15 થી 11:45 વાગે રાજભોગ દર્શન, બપોરે 4:30 થી 4:35 વાગે ઉત્થાપન દર્શન, સાંજે 5 થી 5:30 વાગે સંધ્યા દર્શન અને સાંજે 6:30 થી 7:30 સુધી શયન દર્શનમાં તુલસી વિવાહના દર્શન યોજાશે.

આ શોભાયાત્રા કહેવાય?

ભગવાનને દવાખાનામાં લઈ જવાના હોય તેમ વરઘોડો કાઢવાનું પોલીસ કહે છે. આ શોભાયાત્રા કહેવાય? લોકોના વરઘોડા વાજતે-ગાજતે નીકળે અને અમારે સાદાઈથી કાઢવાનો. > જનાર્દન દવે, રણછોડરાયજી મંદિર

રામને નામે માત્ર મત લેવા છે

ભાજપ રામના નામે માત્ર મત લેવાનું જાણે છે. ભગવાન વર્ષમાં એક વખત નગરચર્યાએ નીકળે છે ત્યારે કોરોના યાદ આવે છે. પાર્ટીના કાયક્રમો વેળા કોરોના યાદ નથી આવતો. > તીર્થ બ્રહ્મભટ્ટ, વોર્ડ-14 પ્રમુખ, કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...