તાંદલજાના રહીશે ફતેગંજના વૃધ્ધનું મકાન 11 મહિનાના કરારથી ભાડે લીધા બાદ મકાન પચાવી પાડી ભાડુ ન આપતા કલેક્ટર કચેરીમાં મકાન માલિકે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. જેને પગલે કલેકટરે ભાડુઆત સામે કાર્યવાહી કરવાનો આદેશ કરતા સયાજીગંજ પોલીસે આરોપી ભાડુઆત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આજવા રોડ મદની કોટેજ કિસ્મત કોલોનીમાં રહેતા ફરહત મોહમંદ હનીફ દાયમાકુમાર (62) નિવૃત જીવન જીવે છે. વૃધ્ધની ફરિયાદ અનુસાર, તેમનું મકાન ફતેગંજ મેઈન રોડ પર આવેલા મેરાજ રેસીડેન્સીમાં આવેલું છે. આ ફ્લેટને વૃધ્ધે મોહમંદસમીર મોહમંદસીદીક પઠાણ (રહે-આરઝુ બંગલોઝ, તાંદલજા)ને જુલાઈ 2018થી મે 2019 સુધી 11 માસના ભાડા કરાર પેેટે આપ્યું હતું. માસીક ભાડૂ રૂા.12 હજાર નક્કી થયું હતું.
મોહમંદ સમીર પઠાણે સપ્ટેમ્બર 2019 સુધી મકાનનું ભાડું નિયમિત રીતે આપ્યું હતું. પરંતુ ત્યારબાદ ભાડુઆતે ભાડું ન ચુકવતા વૃદ્ધ તેમના ભાભી અને નોકર સાથે અવાર નવાર તેમના ફ્લેટ પર જઈ ભાડુઆત પાસે બાકી ભાડાની માગણી કરતા તે ખોટા બહાના બતાવી ભાડંુ ચૂકવતો ન હતો. જ્યારે વારંવાર ભાડંુ માગતા ભાડુઆતે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
ફેબ્રુઆરી 2021માં મોહંમદ સમીર પઠાણનો સંપર્ક કરતા તેને સુલેમાની કો.ઓપરેટિવ બેંકનો રૂા.2.97 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. જેથી વૃધ્ધે વકીલ મારફતે મોહમદસમીર પઠાણ વિરૂધ્ધ કાર્યવાહી કરાઈ હતી. જે અંગે કોર્ટમાં કેસ નોંધાયો હતો.
ભાડુઆતે મિલકતનો ગેરકાયદે કબજો કરી પચાવી પાડી હોવાથી વૃધ્ધે આ અંગે કલેક્ટર કચેરીમાં 22 ઓક્ટોબરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. જ્યારે અરજીને ધ્યાને લઈને કલેક્ટર દ્વારા ગુનો દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરની મંજૂરીને આધારે સયાજીગંજ પોલીસ દ્વારા મોહમંદ સમીર મોહમંદ સીદીક પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.