29 જુલાઈ, શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. શ્રાવણને અનુલક્ષીને શહેર-જિલ્લાના 100થી પણ વધુ શિવાલયોને શણગાર કરાયો છે. શ્રાવણ માસમાં 10 હજાર કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિવિધ મંદિરોમાં 10 કરોડ જેટલા મહામૃત્યુંજયના જાપ કરાશે. ઉપરાંત મંદિરોમાં જ સવા કરોડ પાર્થેશ્વર શિવલીંગનું નિર્માણ કરી તેની પુજા કરવામાં આવશે.
શ્રાવણ મહિનામાં શિવજીને પ્રિય એવા બિલ્વપત્રનું પણ મહત્વ રહેલું છે. ત્યારે શિવમંદિરોના પુજારીઓના મતે ભક્તો દ્વારા સમગ્ર શ્રાવણ માસમાં અંદાજીત 50 કરોડ જેટલા બિલ્વ પત્ર પંચાક્ષર સ્ત્રોત્રના જાપ સાથે શિવજીને અર્પણ કરશે. કાશીવિશ્વનાથ, નવનાથ મહાદેવ સહિત મંદિરોમાં શણગાર થયા છે. ભક્તો દુધ ચઢાવી શકે તે માટે અલગ સુવિધા ઉભી કરાઇ છે. નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ 22 ઓગસ્ટે શ્રાવણના છેલ્લા સોમવારે કાવડયાત્રા થકી નવનાથ મહાદેવને જળાભિષેક કરશે.
સવા કરોડ પંચાક્ષર મંત્રનું મહાઅનુષ્ઠાન
શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો દ્વારા સવા કરોડ ઓમ નમ: શિવાય (પંચાક્ષર સ્ત્રોત્ર)ના જપનું મહા અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે.
દર સોમવારે યજ્ઞશાળામાં લઘુરુદ્ર કરાશે
કાયાવરોહણ સ્થિત લકુલીશ ભગવાનના મંદિરે એલઈડી સ્ક્રિન લગાવાશે તેમજ સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન જોવા મળશે. મંદિરમાં દર સોમવારે યજ્ઞશાળામાં લઘુરુદ્ર કરાશે. > મુકેશ પંડ્યા, ટ્રસ્ટી, લકુલીશ શિવ મંદિર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.