શહેરમાં મહાશિવરાત્રીના દિવસે નિકળેલી શિવજી કી સવારીમાં સંસ્કારી નગરીની સંસ્કારિતાના દર્શન થયા હતા. એક તરફ ભારે ભીડમાં એમ્બ્યુલન્સ ન આવી શકતા પોલીસની વાનમાં યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા કિસ્સામાં ઈજાગ્રસ્ત યુવકને લઈને જતી એમ્બ્યુલન્સને લાખોની જનમેદનીએ રસ્તો કરી આપતા એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી હતી. યુવકને સમયસર સારવાર મળી શકી હતી.
મંગળવારે શિવજીની સવારીમાં સુરસાગર પાસે ભારે ભીડ વચ્ચે ડભોઇ રોડ પર રહેતા 38 વર્ષના નિશિતકુમાર પુરાણીને છાતીમાં દુખાવો થતા એમ્બ્યુલસને બોલાવવામાં આવી હતી. પરંતુ ભીડના કારણે એમ્બુલન્સ આવે તેવી શક્યતા નહીવત હતી. જેના પગલે પોલીસવાનમાં યુવકને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ વાઘોડિયા રોડ પર માણોદર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર જયંતીભાઈ બચુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા.
તે સમયે રાવપુરા નજીક શિવજી કી સવારીમાં ભારે ભીડના કારણે એમ્બ્યુલન્સ અટવાઇ હતી. જ્યાં એમ્બ્યુલન્સને આવતા જોઈ યુવાનોએ ડીજે અને ડાન્સ બંધ કર્યો હતો અને એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપ્યો હતો. ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ એસ.એસ.જી હોસ્પિટલ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનની સારવાર શરૂ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.