સાવલી તાલુકાના સાકરદા-ભાદરવા રોડ પર આઇસર ટેમ્પો જીવંત વીજ વાયરને અડતા કરંટથી ડ્રાઈવર મહેન્દ્ર ગુપ્તા (મૂળ રહે. સેલવાસ)નું મોત થયું હતું. ડ્રાઈવર સેલવાસથી માલભરીને આવ્યો હતો અને બેસ્ટવોલ કંપનીમાં સામાન ઉતારી પરત ફરી રહ્યા હતો. ત્યારે ટેમ્પો વીજ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેથી કરંટથી ચાલકનું મોત થયું હતું. તેમજ ટ્રકમાં પણ આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડ દોડી ગયું હતું અને આગ ઓલવી હતી. બનાવની જાણ થતાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ દોડી આવ્યા હતા અને તેઓએ આ બનાવ વીજ કંપનીની ભૂલને કારણે બન્યો છે કે અન્ય કોઇ રીતે તેની તપાસ થશે તેમજ દોષિતો સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.
વડોદરામાં વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે વધુ એક ફરિયાદ
શહેરમાં ઓમ એન્ટરપ્રાઇઝ નામથી ફાયનાન્સનો ધંધો કરતા વ્યાજખોર પ્રણવ રક્ષેશભાઇ ત્રિવેદી સામે વધુ એક ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી કોમીલભાઇ ચમનલાલ મોદી (રહે. રોયલપાલ્મ, દિવાળીપુરા, વડોદરા)એ આક્ષેપ કર્યો છે કે પ્રણવ ત્રિવેદી પાસેથી વર્ષ 2016થી 2021 દરમિયાન કુલ 14 લાખ 40 હજાર રૂપિયા દોઢ ટકા વ્યાજે લીધા હતા. જેની અવેજમાં વ્યાજ અને મુડી સહિત કુલ 1 કરોડ 8 લાખ ઉપરાંતની રકમ ચુકવી છે. છતાં પ્રણવ અને તેનો સાગરીત ગૌરાંગ મિસ્ત્રી વધુ રૂપિયાની માંગણી કરતા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી વ્યાખોરો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ હતી અને બંનેની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે તેમની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
વડોદરામાં શુક્રવારી બજારમાં ચોરીની સાયકલો વેચતો શખ્સ પકડાયો
સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે શુક્રવારી બજારમાં પ્રજ્ઞેશ ઉર્ફે સની ભાયલાલભાઇ માળી (રહે. વિશ્વામિત્રી બ્રિજ નીચે, મહાકાળીનગર, રાવપુરા, વડોદરા) ચોરીની સાયકલો વેચી રહ્યા છે. જેથી પોલીસે આરોપીની અટકાત કરી પૂછપરછ કરતા તેણે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી આઠ સાયકલ ચોરી હોવાનું કબૂલ્યું હતું.
પાણીગેટ વિસ્તારમાં ઘરમાંથી સવા લાખના સોનાની ચોરી
શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા વિપુલકુમાર બાલકૃષ્ણ ભટ્ટ રાત્રે ઘરમાં પહેલા માળે ઉંઘી ગયા હતા. તેઓ સવારે જાગ્યા તો ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રહેલી તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હતા. તપાસ કરતા તેમાંથી સવા લાખ રૂપિયાની કિંમતનું સોનાનું કડું ચોરાઇ ગયું હતું. જે અંગે તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ટ્રકની અડફેટે મહિલાનું મોત
શહેરના સાયજીપુરા પીળા વુડાના મકાનમાં રહેતી મહિલા જ્યોત્સના બારીઆને ચાર દિવસ પહેલા ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેને સારવાર માટે પહેલા સયાજી હોસ્પિટલ અને ત્યાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.