મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં અવાર-નવાર નવજાત બાળકોને મહિલાઓ છોડીને ચાલી જતી હોય છે. જેની સાર-સંભાળ બાદમાં સામાજિક સંસ્થાઓ કરતી હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. શ્રમજીવી મહિલા પોતાની 17 દિવસની દીકરીને ત્યજીને જતી રહી હતી. જોકે 5 દિવસ બાદ મહિલા પતિ સાથે પરત ફરી હતી. સયાજી હોસ્પિટલ તંત્ર તમામ બાબતો તપાસીને દીકરીને મહિલાને સોંપશે.
સયાજી હોસ્પિટલમાં શહેર અને શહેર બહારથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે. રુકમણી ચૈનાની હોસ્પિટલમાં પણ દરોરજ કેટલીયે મહિલાઓ પ્રસુતી માટે આવતી હોય છે. મૂળ ઉત્તર પ્રદેશની અને શહેરની નજીક ઈંટોના ભઠ્ઠામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભગવાનસિંહ જાટવ પત્નીને લઈને 10 ફેબ્રુઆરીએ સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં પ્રસૂતિ માટે આવ્યા હતા. 2 દિવસ બાદ આપરેશન દ્વારા ભગવાનસિંહની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. દીકરીની હાલત ખૂબ જ નાજૂક હોવાને કારણે તેને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી.
બીજી તરફ માતાને ઓપરેશનનું દર્દ સહન ન થતા તે 27 ફેબ્રુઆરીએ બાળકીને મૂકીને પતિ પાસે ચાલી ગઈ હતી. જોકે મહિલા 5 દિવસ બાદ પતિ સાથે હોસ્પિટલમાં પરત ફરી હતી. આ વિશે ભગવાનસિંહ જાટવે જણાવ્યું હતું કે, જ્યારથી દીકરીનો જન્મ થયો છે ત્યારથી અમને દીકરી જોવા પણ નથી આપી અને મારી અન્ય 3 વર્ષની દીકરીનું પણ મારે ધ્યાન રાખવાનું હોય છે. કેટલા દિવસ સુધી અમે હોસ્પિટલમાં રોકાઈએ? અમે શ્રમજીવી માણસો છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.