મહિલાનો આક્ષેપ:રાજકોટમાં હોમગાર્ડે લગ્નની લાલચે મહિલા સાથીનું શારીરિક શોષણ કરી લગ્નનું નાટક કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ હોમગાર્ડ કમાન્ડર જનરલ, મહિલા આયોગને ફરિયાદ કરી
  • આપણે લગ્ન કરવાના છીએ, હું વચન આપું છું, તેમ કહી ભોળવી હતી
  • મંદિરમાં લગ્નનું નાટક કરી રજિસ્ટર ન કરાવ્યાના આક્ષેપ

પોલીસ વિભાગની જ એક પાંખ ગણાતી હોમગાર્ડમાં ફરજ બજાવતી એક મહિલાનું સાથી જવાને લગ્નની લાલચે શારીરિક શોષણ કર્યા બાદ મંદિરમાં લગ્નનું નાટક કર્યું હોવાની ફરિયાદ રાજ્યના હોમેગાર્ડ કમાન્ડર જનરલ અને મહિલા આયોગને કરવામાં આવી છે. વડોદરા હોમગાર્ડ કચેરી ફરી વિવાદમાં આવી છે. મંદિરમાં લગ્ન કર્યા બાદ મહિલાને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરાતું હોવાની ફરિયાદ મહિલાએ કરી છે.

શહેર નજીકના ગામની હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલા સાથે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જયેશ શર્માને પ્રેમ સંબંધ બંધાયો હતો. શર્મા એકલી રહેતી મહિલાના ઘરે જતો થયો હતો. એકલતાનો લાભ લઇ જયેશે મહિલા સાથે શારિરીક સંબંધ બાંધવા માંગ કરી હતી. મહિલાએ ઇન્કાર કરતા જયેશે મહિલાને આપણે લગ્ન કરવાના જ છે. હું તને વચન આપું છુ એવી વાતે ભોળવી હતી અને મહિલાની ઈચ્છા ના હોવા છતાં શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સંબંધ બાંધ્યા પછી શર્મા થોડા-થોડા દિવસે મહિલાના ઘરે રાત્રે જતો હતો અને લગ્નની વાતો ચલાવી શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલા દ્વારા લગ્ન કરી લેવા કહેતાં હોમગાર્ડ જવાન જયેશનું વર્તન બદલાયું હતું અને લગ્નનો ઇન્કાર કરી દેતા મહિલાએ રાજ્યની હોમગાર્ડ કચેરીને જયેશના શારીરિક શોષણ અને અન્ય કરતૂતો અંગે જાણ કરી હતી. જ્યાં તપાસ શરુ થઇ હતી અને મહિલા તથા આરોપી જયેશને ફરજ ઉપર નહિ આવવા જણાવાયું હતું. પરંતુ જયેશ અધિકારીઓનો ખાસ હોવાથી બહાર રહીને પણ કચેરીનું કામ સાંભળતો હતો. એવો આક્ષેપ મહિલાએ લગાવ્યો છે.

તપાસથી ગભરાયેલા જયેશે મહિલાનો સંપર્ક કરી એમ.જી રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન રજીસ્ટર નહિ કરાવતા મહિલાને શંકા ગઇ હતી. લગ્ન થઇ ગયા હોવાનું જણાવી મહિલાને અગાઉ કરેલી ફરિયાદ પછી ખેંચી લેવા લેખીત માંગી દબાણ કરતા મહિલાને છેતરાઈ હોવાની ખાતરી થઇ હતી. પરિણામે મહિલાએ હવે અદાલતમાં જઈને ન્યાય માંગવાની તૈયારીઓ શરુ કરી છે.

ઉપરાંત ફરીથી રાજ્યના હોમગાર્ડ કમાન્ડર જનરલ અને મહિલા આયોગને પુરાવા સહીત રજુઆત કરી છે. આ અંગે જયેશ શર્માએ જણાવ્યુ હતું કે, મારી સાથી કર્મચારી સાથે મારા સબંધ બંધાયા બાદ મનદુ:ખ થયુ હતું. જેના લીધે ફરિયાદ કરવામાં આવી હતી. હવે સમાધાન થયું છે, મેં તેની સાથે લગ્ન કરી લીધાં છે જેની જાણ હોમગાર્ડની વડી કચેરી ખાતે કરી દીધી છે. જેને પગલે અમને નોકરી પર પરત લેવા અંગે નિર્ણય કરાશે.

પીડિત મહિલા અંગે વડી કચેરી નિર્ણય લેશે
વડોદરા હોમગાર્ડ યુનિટના કમાન્ડન્ટ ઋતુરાજ વાઘેલાએ વિવાદ અંગે જણાવ્યું છે કે, મહિલા દ્વારા ફરિયાદ રાજ્યની કચેરીએ કરવામાં આવી હતી. ત્યાંથી તપાસની સૂચના આવી હતી. તપાસ હજી ચાલુ છે. બંનેના લેખિત નિવેદનો લેવામાં આવ્યા છે. રાજ્યની વડી કચેરીથી નિર્ણય લેવાશે અને અત્રે માર્ગદર્શન આપવામાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...