ચૂંટણી:રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શહેરમાંથી 1 હજારને બદલે માંડ 25 હોદ્દેદાર પહોંચ્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચની સ્પષ્ટતા ન થતાં વોર્ડ વાઇઝ કાર્યકરોને લઈ જવાનું માંડી વાળ્યું
  • 19 બસો કેન્સલ, હોદ્દેદાર પોતાનાં વાહનોમાં ગયા

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે પ્રચારની શરૂઆત કરવા કોંગ્રેસના રાહુલ ગાંધી સોમવારે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં વડોદરાથી વિધાનસભા વાઇઝ 200 કાર્યકર્તાને લઈ જવાનું નક્કી કરાયું હતું. જોકે કાર્યકરોને લઈ જવા માટે બસો કેન્સલ કરી માત્ર પક્ષના 25 હોદ્દેદારો અમદાવાદ પહોંચ્યા હતા. કાર્યકરોને અમદાવાદ ન લઈ જવા પાછળ ખર્ચનો વિવાદ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા અને તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ માટે શનિવારે શહેર કોંગ્રેસે વોર્ડ વાઇઝ 19 બસ મૂકવાનું નક્કી કર્યું હતું, જેમાં 1 હજાર કાર્યકરોને લઈ જવાનો ટાર્ગેટ હતો. સૂત્રો મુજબ આ માટે વિધાનસભા વાઇઝ નેતાઓને ખર્ચ કરવાનો તેમ કહેવાયું હતું.

જોકે ખર્ચ બાબતે ઘણા સમયથી કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે અને વધુ એક વખત ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. રવિવારે રાતે અમદાવાદ માટે લઈ જવાની 19 બસ કેન્સલ કરાઈ હતી. હોદ્દેદારોને તેમનાં વાહનોમાં અમદાવાદ પહોંચવા કહેવાયું હતું. સોમવારે 25 હોદ્દેદારો સભામાં ગયા હોવાની માહિતી મળી છે.

ખાનગી વાહનોમાં 800 લોકોને લઈ જવાયા
19 વોર્ડ વાઇઝ 19 બસો નક્કી કરી હતી, પરંતુ ટ્રાવેલ્સ સંચાલકોએ કહ્યું હતું કે તમે આરટીઓની પરમિશન લાવી આપો તો જઈએ. કારણ કે ભૂતકાળમાં પણ અનેક બસો ડિટેઇન કરવામાં આવી છે. જેના પગલે ટ્રાવેલ્સને પડતી મૂકી ખાનગી વાહનોમાં 800થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોને અમદાવાદ લઈ જવાયા હતા. > ઋત્વિજ જોશી, પ્રમુખ, શહેર કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...