ખોટી ફરિયાદ કર્યાની કબૂલાત:છાણીમાં પ્રેમિકાને મેળવવા પ્રેમીના અપહરણનું તરકટ, પ્રેમી અને તેની માતાએ ફતેગંજ પોલીસને 6 કલાક દોડાવી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પુત્રની અટકાયત કરાઈ, ખોટી ફરિયાદ કર્યાની કબૂલાત

શહેરના છાણી કેનાલ વિસ્તારમાં માતાએ પુત્રનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરતાં ફતેગંજ પોલીસે ગહન તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ બાદ માતા-પુત્રની પૂછપરછ કરતાં બંનેએ અપહરણની ખોટી ફરિયાદ પ્રેમિકાને પરત મેળવવા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની અટક કરી હતી. ખોટી ફરિયાદના લીધે ફતેગંજ પોલીસે છ કલાક સુધી દોડાદોડી કરી હતી.

ફતેગંજ પોલીસ મુજબ છાણી જકાતનાકા પાસે ઝૂંપડામાં કરણ રઘાભાઈ રસડિયા (ઉ.19) માતા હંસાબેન રસડિયા સાથે રહે છે. સોમવારની રાત્રે ફતેગંજ પોલીસ મથકે હંસાબેન પહોંચ્યાં હતાં અને જણાવ્યું હતું કે, ‘મારા પુત્ર કરણનું અપહરણ થઇ ગયું છે, તેની પ્રેમિકાના પરિવારજનોએ અપહરણ કર્યું હોવાનું લાગે છે. જેથી ફતેગંજ પોલીસ મથકના પીઆઈ કે.પી.પરમારે ટીમ સાથે યુવક અને તેના અપહરણકર્તાઓને શોધવા માટે કવાયત હાથ ધરી હતી.

પોલીસની એક ટીમે કરણની પ્રેમિકાની ઘેર પણ તપાસ કરી હતી પણ તેમણે જણાવ્યું હતું કે, ‘અમે તો બધા ઘેર જ છીએ, કોઈએ અપહરણ કર્યું નથી. યુવક એકવાર ફોન કર્યા બાદ તે જગ્યા છોડી દેતો હતો. જેથી પોલીસની મુશ્કેલી વધી હતી. પણ રાતના દોઢ વાગે કરણે ફોન કરી પોલીસને જણાવ્યું હતું કે, તેના હાથ-પગ બાંધી ચાર જણાં જતા રહ્યા છે એટલે પોલીસ ફૂલવાડી બ્રિજ પાસે પહોંચતાં ટહેલતો કરણ મળી આવ્યો હતો.

કરણ અને તેની માતાને પોલીસે પૂછતાં બંનેએ જણાવ્યું હતું કે, યુવતીનાં માતા-પિતાને પોલીસ પકડી લે અને યુવતીને લઇને કરણ ફરી ભાગી જાય તે માટે અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ પોલીસે બંનેની અટક કરી હતી.

કરણ-યુવતી મહિના પહેલાં ભાગ્યાં હતાં
એક મહિના પહેલા કરણ અને તેની પ્રેમિકા ભાગી ગયા હતા. પણ યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસ બંનેને શોધી લાવી હતી. જેથી કરણ પ્રેમિકાને ફરી મેળવવા માટે પ્રયાસમાં હતો અને અપહરણનું ખોટું તરકટ કરી યુવતીના માતા-પિતાને જેલમાં નંખાવવા માંગતો હતો, પણ તેની ગણતરી ઉંધી વળી ગઇ હતી.

આકરી પૂછપરછમાં કરણે વટાણા વેરી નાખ્યા
ફતેગંજ પોલીસે કરણને શોધી તેની પુછપરછ હાથ ધરી હતી. પોલીસે પુછયું હતું કે તારા હાથ-પગ બાંધેલા હતા તો તું ફોન કેવી રીતે કરતો હતો? અપહરણકારો કેવા હતા? ત્યારે યુવકે કહ્યું હતું કે ‘મને આંખે પાટા બાંધેલા હતા. જેથી પોલીસે પુછયું હતું કે ‘પાટા બાંધ્યા તે પહેલાં તો તે જોયા હશેને? આવા આકરાં સવાલો સામે કરણે વટાણા વેરી નાંખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...