વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહે તે હેતુથી ચાલતી કામગીરીનું નિરિક્ષણ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે કર્યું હતું.
ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને મે મહિના દરમિયાન વડોદરા શહેર સહિત રાજ્યના તમામ જળાશયોના સ્તર નીચે જાય છે. પરિણામે લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનો પ્રયત્ન તંત્ર માટે વિકટ બને છે. જો સમયસર વરસાદ ન વરસે તો તાત્કાલિક ધોરણે અન્ય સ્ત્રોત ઉભો કરવાની સાથે પાણી ખરીદવાની પણ નોબત આવે છે. ચાલુ વર્ષે પણ શહેર-જિલ્લાના જળાશયોના સ્તર નીચે ઉતર્યા છે. સાથોસાથ વસ્તી અને વિસ્તાર વધવાની સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે. એક તરફ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ દૂર કરવા સિંધરોટ ખાતે નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે. જે જૂન મહિનામાં કાર્યરત થતા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને રાહતની શક્યતા છે.
આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે આજવા, પ્રતાપપુરા, મહીસાગર અને ખાનપુર ખાતે નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાં વધુ પાણીનો સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય, પ્રતાપપુરા સરોવરને પાણીના સ્ત્રોત તરીકે વિકસાવવો કે નહીં, આજવાથી નિમેટા સુધીની નવી મુખ્ય પાણીની લાઈનની કામગીરી અને 62 દરવાજા સંદર્ભે નિરીક્ષણ કર્યું છે. ટૂંક સમયમાં વડોદરાવાસીઓને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળી રહે તેવો અમારો પ્રયાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.