વડોદરામાં મ્યુનિ.કમિશનરનો સપાટો:'નાયક' ફિલ્મની સ્ટાઈલમાં સાઇકલ ઉપર કચેરીઓમાં પહોંચ્યા, ગેરહાજર રહેલા 90 કર્મચારીઓને નોટિસ ફટકારી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની - ફાઈલ તસવીર - Divya Bhaskar
વડોદરાના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની - ફાઈલ તસવીર

આજે વડોદરા મહાનગરસેવા સદનમાં અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. વડોદરાના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની સાઇકલ ઉપર વોર્ડ ઓફિસમાં પહોંચી ચેકીંગ ડ્રાઈવ ચલાવતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મ્યુનિ. કમિશનરે દરેક વોર્ડ ઓફિસની તપાસ કરી હતી. જેમાં ગેરહાજર રહેલા 90 જેટલા કર્મચારીઓને તાત્કાલિક નોટિસો ફટકારી ખુલાસો માંગ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના કડક વલણથી કોર્પોરેશનમાં ચકચાર મચી ગઇ હતી.

કચેરીમાં દોડધામ
વિધાનસભાની ચૂંટણીને પગલે કોર્પોરેશનમાં કાઉન્સિલરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે સવારે વહીવટી વોર્ડ નંબર 11,12 અને 13 સહિત વિવિધ વોર્ડ કચેરીમાં સાઇકલ લઇને પહોંચી ગયા હતા. સાઇકલ પર મ્યુનિસિપલ કમિશનરને નિહાળીને કેટલાંક કર્મચારીઓ તેઓને ઓળખી શક્યા ન હતા. તો જેણે ઓળખ્યા તેમણે તો દોડધામ કરી મૂકી હતી.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.માં પોપાબાઈનું રાજ:આ તો નવા કમિશનર થેન્નારસન રાઉન્ડમાં નીકળ્યા તો ખબર પડી કે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ ડોકાતા જ નથી!

પશ્ચિમ ઝોનની કચેરીમાં પહોંચ્યા
મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનનો ચાર્જ સંભાળ્યા બાદ વહીવટી તંત્ર પર ધીરે ધીરે પકડ જમાવી રહ્યા છે. વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરીની માહિતી પણ મેળવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર રોજ સવારે સાઇકલિંગ કરતા કરતા કોર્પોરેશનના વિવિધ વિભાગો ખાતે પહોંચી જઈ ઓચિંતી મુલાકાત લેવાની શરૂઆત કરી છે. જેથી ફરજ બજાવતા કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સેનેટરી ઇન્સ્પેક્ટર પણ ઝપટમાં
સુપરહિટ ફિલ્મ નાયક સ્ટાઇલમાં વોર્ડ ઓફિસમાં પહોંચી ગયેલા મ્યુનિસિપલ કમિશનરને કર્મચારીઓ ગેરહાજર જણાઇ આવ્યા હતા. હાજર રહેલા કર્મચારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. મુલાકાત દરમિયાન તેમણે રજીસ્ટરનું ચેકિંગ કરતા અને હાજર રહેલા કર્મચારીઓ પાસેથી માહિતી મેળવતા અંદાજે એક સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતથી 90 જેટલા કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાઈ આવ્યું હતું.

મોટાભાગના સફાઇ સેવકો
દરમિયાન મ્યુનિસિપલ કમિશરને ગેરહાજર રહેલા કર્માચારીઓને નોટીસો આપવા સબંધિત ઝોનના ડેપ્યુટી કમિશનરોને સુચના આપી હતી. મ્યુનિસિપલ કમિશરની સુચના બાદ વિવિધ વોર્ડ ઓફિસોમાં જણાઇ આવેલા 90 જેટલા કર્મચારીઓને નોટિસો ફટકારવામાં આવી હતી. ગેરહાજર જણાઇ આવેલા કર્મચારીઓમાં મોટાભાગે સફાઇ સેવકો હોવાનું જાણવા મળ્યું હતું. મ્યુનિસિપલ કમિશરને આજે સવારે વોર્ડ ઓફિસમાં ફિલ્મી સ્ટાઇલમાં પહોંચી જઇ સપાટો મચાવતા કોર્પોરેશનની તમામ કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અમદાવાદમાં પણ 10 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી
નોંધનીય છે કે અમદાવાદમાં પણ 10 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી. કમિશનરના એમ. થેન્નારસન વિવિધ જગ્યાએ રાઉન્ડ પર નીકળા હતા અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા. જ્યાં નિયમ પ્રમાણે જેટલા માણસો કામ કરતા હોવા જોઈએ તેના કરતાં ઓછા માણસો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર તપાસ કરવાના તેઓ આદેશ કર્યા હતા જેના પગલે તપાસ કરતા 36 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર માણસો ઓછા હાજર હોવાનું સામે આવ્યું હતું. જેથી કમિશનરે આ જગ્યાના કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરવા માટેની સૂચના આપી દીધી હતી.

ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન આજે રાઉન્ડ પર નિકળ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં હેલમેટ જંકશન પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને કેટલા માણસો હાજર છે તે અંગેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં માત્ર એક જ માણસ હાજર હોવાનું જણાયું હતું. આમ, કોન્ટ્રાક્ટની શરતો અનુસાર માણસો હાજર ન હોવાનું જણાતા કમિશનરે તાત્કાલિક વિજિલન્સ વિભાગને શહેરમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જઈને કેટલા માણસો હાજર છે તેની ચકાસણી કરવા માટે સુચના આપી હતી.

કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા માટે સુચના
અમદાવાદ શહેરમાં આવેલા કુલ 245 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પૈકી શનિવારના રોજ 36 જેટલા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી હતી. ટીમ દ્વારા તપાસ કરતા તમામ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર ટેન્ડરની શરતો પ્રમાણેના માણસો હાજર ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ અંગેનો રિપોર્ટ મ્યુનિ. કમિશરને કરવામાં આવતા તેમણે તાત્કાલીક કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા માટે સુચના આપી હતી.