વડોદરા:નવાયાર્ડમાં બે ગઠિયાની નિવૃત્ત આર્મીમેન સાથે રૂ. 2.50 લાખની છેતરપિંડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ આર્મીમેને મકાન બાંધવા ઈંટો માટે નાણાં આપ્યા હતા

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન સાથે મકાન બાંધવા ઇટો આપવાનો વિશ્વાસ આપી બે ગઠિયાઓએ રૂ. 2.50 લાખ લીધા હતા. પરંતુ વર્ષો વીતવા છતાં ઇટ કે નાણા નહી આપતા બંને ગઠિયાઓ વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર નવાયાર્ડના રોશનપાર્કમાં મોહંમદ હનીફખાન પઠાણ રહે છે. તેઓ નિવૃત આર્મીમેન છે. તેઓએ ફરજ દરમ્યાન તેમની બચતમાંથી નવાયાર્ડ ખાતેના રોશનપાર્કમાં એક પ્લોટ લીધો હતો. 6 વર્ષ અગાઉ પ્લોટ પર બાંધકામ કરવાનું હોવાથી ઇટો લેવા માટે ઇટોનો વ્યવસાય કરતા ફિદાહુસેન મુસ્તાક પઠાણ સાથે તેઓનો સંપર્ક થયો હતો.

ફિદાહુસેને મોહંમદ હનીફખાનને વિશ્વાસમાં લઈ તેમને સાવલીના ટૂંડાવ ખાતે ઇટો બતાવવા લઈ ગયા હતા અને ઇટોના એડવાન્સ પેટે રૂ. 2.50 પૈકીના 2 લાખ ચેક મારફતે મેળવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂ 50 હજાર ખાલિદ ઉર્ફે કલ્લુ પઠાણને આપ્યા હતા. ત્યારબાદ એક અઠવાડિયામાં ઇટો મોકલવાનો વાયદો કર્યા બાદ ફિદાહુસેને ઇટો મોકલી નહતી. વારંવાર ઇટોની માંગ કરવા છતાં નહીં મોકલતા આખરે મોહંમદ હનીફખાને તેઓના નાણા પરત માંગ્યા હતા. પરંતુ ઇટોના નાણા ભૂલી જવાનું કહી ફિદાહુસેને મોહંમદ હનીફખાનને જાનથી મારી નખવાની ધમકી આપી હતી. બનાવને પગલે મોહંમદ હનીફખાને નવાયાર્ડ રામવાડી ખાતે રહેતા ફિદાહુસેન મુસ્તાક પઠાણ અને ખાલિદ ઉર્ફે કલ્લુ પઠાણ સામે છેતરપીંડીની ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...