વિદ્યાર્થીનીની છેડતીનો મામલો:MS યુનિ.ની હાઇ પાવર બેઠકમાં છેડતીના ત્રણ આરોપી વિદ્યાર્થીના જવાબ લેવાયા, નિર્ણય અંગે કમિટીનું મૌન

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
છેડતીના આરોપી. - Divya Bhaskar
છેડતીના આરોપી.

એમ.એસ.યુનિવર્સિટી (MSU)માં કોર્મસ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીનીની છેડતી મામલે આજે સાંજે હાઇપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આરોપી ત્રણ વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને તેઓનો આ મામલે જવાબ લેવામાં આવ્યો હતો. જોકે, બેઠક બાદ કમિટીના કોઇપણ સભ્યએ શું નિર્ણય લેવામાં આવ્યો તે અંગે કોઇપણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. પરંતુ જ્યા સુધી યુનિવર્સિટી દ્વારા તેમને કેમ્પમાં આવવાનું કહેવામાં ના આવે ત્યા સુધી કોલેજમાં ન આવવા જણાવી દેવાયું છે.

કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડિંગ પાસે છેડતી
પંદર દિવસ અગાઉ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી પાસેથી એક વિદ્યાર્થીની પસાર થઇ રહી હતી. ત્યારે કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ ખાતે જ રીયાન કૈયુમખાન પઠાણ (રહે. વેરાઇ માતાના મંદિરવાળું ફળીયું, ગામ રણીયા, તા. સાવલી, જી. વડોદરા), અબુતાલીબ અબ્દુલકલામ પઠાણ (રહે. રોશનનગર, નવાયાર્ડ, વડોદરા) અને શાહીદ મુસ્તકીમ શેખે (રહે. એકતાનગર, છાણી જકાતનાકા, વડોદરા) વિદ્યાર્થીની સામે અભદ્ર ઇશારા કરી છેડતી કરી તેનો પીછો કર્યો હતો. આ ત્રણેય સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

હાઇપાવર કમિટી સમક્ષ આરોપીઓની આજીજી
જ્યાર બાદ આ મામલે તપાસ માટે યુનિવર્સિટી દ્વારા હાઇપાવર કમિટીની રચના કરવામાં આવી હતી. જેની આજે સાંજે એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ બેઠકમાં આરોપી ત્રણેય વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને તેઓનો જવાબ લેવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયે પોતાનો બચાવ કર્યો હતો અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ન બગડે તેવી આજીજી કરી હતી.

નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નહીં
જોકે, બીજી તરફ હાઇપવાર કમિટી દ્વારા બેઠક પૂર્ણ થયા બાદ શું નિર્ણય કરવામાં આવ્યો તે અંગે કોઇપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ત્રણેય વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા ફોન કરી જાણ ન કરવામાં આવે ત્યાં સુધી યુનિવર્સિટી કેમ્પસમાં ન આવવા જણાવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પીડિત વિદ્યાર્થીની દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ત્રણેયને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દેવામાં આવે.